પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ ]
કલાપી,
 

આ પ્રમાણે દરેક કુમાર પોતાને માટે ખાનગી શિક્ષક રાખતા હતા, અને રજાઓમાં પણ તે તેમની સાથે જ રહેતા. સુરસિંહજીનાં માતુશ્રીએ મરતી વખતે આ જાની માસ્તરને તેમની ભલામણ કરી હતી. તે અંગ્રેજી તો ચાર પાંચ ચોપડી જ ભણ્યા હતા, પણ ઘણા હોંશિયાર અને ઉદ્યોગી હોવાથી તેમણે ખાનગી રીતે સારું શિક્ષણ સંપાદન કર્યું હતું. તે ગુજરાતી, અંગ્રેજી અને ફારસીનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેમના પર મૅક્નોટનની ઘણી અસર હતી. આવા લાયક ગુરુની અસરથી કલાપીની ઉપર શરૂઆતથી જ સારા સંસ્કાર પડ્યા. આ જાની માસ્તર રાજ્યના જૂના અને વફાદાર નોકર હતા, અને કલાપીને તેમના તરફ ઘણો સદ્‌ભાવ હતો; છતાં ઈ. સ. ૧૮૯૧ માં કલાપીએ કૉલેજના પ્રિન્સિપાલ મારફત જાનીને ત્રણ મહિનાનો પગાર આપીને નેકરીમાંથી છૂટા કર્યા. કલાપીના બાળમિત્ર અને સંગાથી શ્રી. મૂળચંદ શાહ આ સંબંધમાં લખે છેઃ ;આ બનાવથી ઠાકોર સાહેબ સ્વતંત્ર અને વાજબી સલાહ આપનાર વિનાના થયા.' જાનીને ખસેડવા કલાપી ખુશી ન હતા, પરંતુ તેમનો સ્વભાવ અતિશય નરમ હતો એટલે લગ્ન પછી પોતે 'જે નવા વાતાવરણમાં મૂકાયા તેમાંની કોઈ વ્યક્તિને જાની માસ્તરની હાજરી નહિ ગમી હોય'[૧] તેથી તેમને ખસેડવામાં આવ્યા. છતાં કલાપી જીવ્યા ત્યાંસુધી જાની માસ્તર તરફ તેમણે સતત લાગણી રાખી હતી, અને પ્રસંગોપાત્ત તેમને આર્થિક મદદ પણ કરી હતી.

આ પછી કલાપીના શિક્ષક તરીકે એન. બી. જોશીને નીભવામાં આવ્યા. તે બી. એ., એલએલ. બી. હતા, અને અંગ્રેજી


  1. ૧. ઠાકોરશ્રી સુરસિંહજી કેટલાંક સંસ્મરણો. શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ,
    શ્રી. મૂળચંદભાઈ એ ૧૮૯૧ની સાલ આપી છે, પણ કલાપીએ ૨૨-૯-૧૮૯૦ ના એક પત્રમાં લખ્યું છે કે, 'માસ્તરને રજા મળી ગઈ છે.' તે પરથી લાગે છે કે શ્રી. મૂળચંદભાઈનો અહીં સ્મૃતિદોષ થયો હશે.,