પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પ્રકરણ ત્રીજું
આર્યાવર્તનો પ્રવાસ

કૉલેજ છોડ્યા પછી જ કલાપીનો ખરો અભ્યાસ શરૂ થયો.

એજન્સીએ સ્વીકારેલા ધોરણ પ્રમાણે કલાપીને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી હિંદના પ્રવાસે મોકલવામાં આવ્યા. તેમની સાથે તેમના પરમ મિત્ર બગસરાના ભાગીદાર હડાળાના દરબાર વાજસૂરવાળા, જેમને કલાપીએ પોતાના પત્રોમાં ગીગાભાઇને નામે ઉલ્લેખ કર્યો છે તે હતા. બન્નેના વાલી તરીકે એજન્સીએ વઢવાણના રાવબહાદુર પ્રાણજીવન વિશ્વનાથ ઠાકરની નિમણૂક કરી હતી. રા. બ. પ્રણજીવન આ વખતે વડિયામાં મેનેજર તરીકે કામ કરતા હતા, ત્યાં તેમને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ હૅન્કોક તરફથી ૩જી ઓગસ્ટ ૧૮૯૧ ના રાજ આજ્ઞા મળી કે તેમણે લાઠીના ઠાકોર સાહેબ સુરસિંહજી અને બગસરાના ભાગીદાર વાજસૂર વાલેરાવાળાને લઈને હિંદના પ્રવાસે નીકળવું. તે પ્રમાણે ૧૮૯૧ના ઑક્ટોબરની પહેલી તારીખે રાજકોટ મુકામેથી પ્રવાસની શરૂઆત કરવામાં આવી, અને ૧૮૯૨ના માર્ચમાં તે પૂરો થયો. તેનો વિગતવાર હેવાલ રા. બ. પ્રાણજીવન ઠાકરે ૧૮૯૨ના માર્ચની ૨૩મી તારીખે કાઠિયાવાડના તે વખતના પોલિટિકલએજંટને મોકલી આપ્યો હતો.[૧]


  1. ૧ હવે પછી આપેલો વૃત્તાંત મુખ્યત્વે આ અહેવાલને આધારે લખ્યો છે. તે ઉપરાન્ત કલાપીના પત્રો અને તેમના પુસ્તક ‘કાશ્મીરનો પ્રવાસ’નો ઉપયોગ પણ પ્રસંગોપાત્ત કરવામાં આવ્યો છે.