પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨]
કલાપી
 

અને તે પર ઘાસના બૂટ પહેરીશું જેથી લપસી પડાય નહિ. બનતા સુધી પાળાજ ફરશું. કારણ કે ઘોડું ભડકે અથવા લપસે તો પછી પતો લાગે નહિ. ઇશ્વરની ઈચ્છા હશે તો હરકત નહિ આવે. રસ્તાનો કેટલોક ભાગ અને પર્વત પર આ પ્રમાણે છે. પણ ખીણોમાં તે કાઠિયાવાડ જેટલી જ ગરમી છે. ઘણું કરી પંદર દિવસથી વધારે રહેશું નહિ. કારણ કે આ વખતે હમેશ કરતાં ટાઢ વધારે છે. મને કાંઈ પણ તસ્દી નથી. કારણ કે કાઠિયાવાડમાં રહેવા કરતાં હિમાલયના બરફ, ધોળાં રીંછ અને સાવજ દીપડામાં રખડવું અને તંબુમાં રહેવું એ વધારે સારું છે.” (રાવળપીંડી, ૧૮-૧૦-૯૧).

"કાલ રાતના ચાર વાગે અહીંથી ચાલી સાંજના છ સાત વાગે મરી જશું. મરી જશું ? ઇશ્વરની ઇચ્છા. મરી ગામે તે વખતે જશું. મરી બે દિવસ રોકાશું. ત્યાર પછી સવારમાં ચાલી સાંજે કોહાલા જશું. પછી દુમેલ અને ઉરી. ત્યારબાદ બારામુલા જઈ જેલમ નદીમાં કિસ્તી ( એક જાતનો તરાપો) માં બેસી શ્રીનગર જશું. કિસ્તીમાં ઓછામાં ઓછું બે દિવસ મુસાફરી કરશું અને વધારેમાં વધારે ઇશ્વરની ઈચ્છા. ઘણું કરી બૂડી તો જશું નહિ, કારણ કે તોફાન કદાચ થાય તો એકદમ કિસ્તી કીનારે લઈ જાય છે. એ સિવાય અમે બૂચના પટા પહેરી રાખશું, જેથી કદાપિ કિસ્તી ઉંધી પડી જાય તો હરકત ન આવે. એક ઠેકાણે જરા ભય જેવું છે. તે જગ્યાનું નામ વુલર લેક, તે તળાવ છે. એમાં બે ટાપુ તર્યા કરે છે, અને એ સિવાય બીજા નાના બરફના ટાપુ હોય છે.

શું શું હરકત આવી અથવા અમે કેવા સુખથી મુસાફરી કરી તે અહીં પાછું આવ્યા પછી લખી શકાય. હાલ તો માત્ર જે કાંઈ વાતો સાંભળું છું તે પ્રમાણે લખું છું. પણ મારા ધારવા પ્રમાણે જેવી વાતો થાય છે તેવું કાંઈ ભયંકર નહિ હોય; કારણ કે વાતો હમેશાં ખરી વાતથી વધારે થાય. માટે કાંઈ ચિંતા કરવા જેવું નથી.”

(રાવળ પીંડી, ૨૦-૧૦-૯૧)