પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[૨૭
 


'આજ સવારે છ વાગે રૂગવાડીથી ચાલ્યા. કાંઈ ખાધું ન હતું. પાણી પણ પીધું ન હતું. ૧ાા વાગે ચકોટી ગામ કે જ્યાં બે ઝુંપડાં છે ત્યાં પહોંચ્યા. ત્યાં દૂધ મળ્યું. ત્યાં એક મોદી હતો તે ગામ જવાનો હતો તેથી ઘઉંના રોટલા અને અડદની ઘણી જ ખારી દાળ ખાવાની તૈયારી કરતો હતો, અને તે અમે માગી લીધા અને બધા ખાઈ ગયા. તેને પાંચ રૂપિયા આપ્યા. જો અમે બે કલ્લાક મોડા પહોંચ્યા હત તો આજ પણ અપવાસ થાત.' [૧]

'મ્હારા હાથ પર મોજાં રાખવા છતાં ટાઢથી શીળસ જેવા ફોડલા થઈ ગયા છે. [૨]

આ પ્રમાણે ટાઢ, રસ્તાની હાડમારી, ભૂખ વગેરે મુશ્કેલીઓ ખમતાં ખમતાં કલાપી, ૩૧ મી ઑક્ટોબરે સવારે અગિયાર વાગે શ્રીનગર પહોંચ્યા.

તા. ૧-૧૧–૯૧ થી તા. ૧૫–૧૧–૯૧ સુધી પંદર દિવસ કલાપી કાશ્મીરમાં રહ્યા. તેનું વર્ણન વિસ્તારપૂર્વક 'કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' નામના તેમના પુસ્તકમાં તેમણે આપ્યું છે. એ સુપ્રસિદ્ધ પુસ્તકમથી કાંઈ ઉતારા આપવાની અહિં જરૂર લાગતી નથી, પણ એ વાંચવાની ભલામણ કરીને જ, હું બીજું પ્રવાસવર્ણન આગળ ચલાવીશ.

કાશ્મીરમાં કલાપી પંદર દિવસ રહ્યા અને ૧૫મી નવેંબરે રાવળપીંડી પાછા આવી પહોંચ્યા. રાવળપીંડીથી ૧૮મી તારીખે સવારના બે વાગે નીકળી, તે જ દિવસે બપોરના ત્રણ વાગ્યે લાહોર પહોંચ્યા. લાહોરની જુમા મસીદ, સંગ્રહસ્થાન, બગીચાઓ વગેરે સ્થળે જઈ ૨૦મીએ અમૃતસર ગયા અને ત્યાં શીખેનું સુવર્ણમંદિર અને અન્ય જોવા લાયક સ્થળોની મુલાકાત લીધી. અમૃતસરમાં યાત્રીઓને એવો વિચાર થયો કે એક માસની પ્રવાસની મુદત વધારીને સિલોન જઈ આવવું. પણ તે માત્ર વિચાર જ રહ્યો.


  1. ૧. “શ્રી કલાપીની પત્રધારા.”
  2. ૧. “શ્રી કલાપીની પત્રધારા.”