પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આર્યાવર્તનો પ્રવાસ
[૨૯
 

જોધપુરના રાઠોડ વીર મોગલ સરદારોની કતલ કરીને નાસી છૂટ્યો હતો તે જોઈ ક્ષત્રિયવીરોને રોમાંચ અનુભવ થયો. તાજમહાલ તો કેમ જ બાકી રહે ?

૧૧મી તારીખે બપોરના ત્રણ વાગ્યે આગ્રા છોડ્યું, અને તે જ દિવસે સાંજના સાત વાગે ગ્વાલિયર આવી ગયા. ગ્વાલિયરનો રેસિડેન્ટ લેફટેનન્ટ કર્નલ બાર તે સમયના કાઠિયાવાડના પોલિટિકલ એજટ કર્નલ હેન્કોકનો મિત્ર હતો, અને તેથી તેણે આ અધિકારની રૂએ યુવાન કુમારને શિખામણ આપી કે ગરીબો તરફ દયા રાખવી અને રૈયત ઉપર કદી જુલમ કરવો નહિ. જયપુરની માફક જ અહીંના રેસિડેન્ટે પણ તેમને હાથીની સવારીનો લાભ આપ્યો.

૧૪મીએ ગ્વાલિયરથી નીકળી થોડો સમય ઝાંસી રોકાયા, અને ૧૬મીએ અલાહાબાદ પહોંચ્યા. અહીં ત્રિવેણીમાં સ્નાન કર્યું અને અન્ય જોવા લાયક સ્થળોની સાથે મેયો કૉલેજ જોઈ તથા તેના પ્રિન્સિપાલની મુલાકાત લીધી. ૧૯મીએ કાનપુર થઇ ૨૧મીએ લખનૌ આવ્યા. ત્યાં બે દિવસ રોકાઇ ૨૩મીએ અયોધ્યા પહોંચ્યા. રામચંદ્રજીના આ જન્મસ્થાનમાં કલાપીએ અનેક મંદિરમાં જઈ દર્શન કર્યાં. પહેલાં જે શહેરનો વિસ્તાર ૫૦ ચોરસ માઈલ હતો તેની તે સમયની કંગાલ સ્થિતિ જોઈ ખેદ થાય એ સ્વાભાવિક છે.

૨૫મી ડિસેંબરે તીર્થોના તીર્થ કાશીમાં મુકામ કર્યો. અહીં એક સપ્તાહ રહ્યા અને કાશીવિશ્વેશ્વરનાં દર્શન કર્યા તથા ગંગાજીના જુદા જુદા ઘાટે સ્નાન કર્યું. ગંગામાં નાવમાં બેસી કાશીના એક છેડાથી બીજા છેડા સુધી ફર્યા અને ગંગાકાંઠાનાં સર્વ મંદિરોનું સમગ્ર દૃષ્ટિથી અવલોકન કર્યું.

કાશી જતાં રસ્તામાં કલાપીને એક આકસ્મિક આફતનો અનુભવ થયો. તે હતી તો નાનકડી જ, પણ તેમણે તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે[૧] એટલે હું પણ તેની અહીં નોંધ કરીશ.


  1. ૧. તા. ૨૬મીના પત્રમાં.