પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦]
કલાપી
 


અયોધ્યાથી ૨૫મી તારીખે કાશી આવતાં વચમાં એક સ્ટેશને કલાપી બીડી લેવા માટે ઊતર્યા હતા, પણ તે આવ્યા એટલામાં ટ્રેન ચાલી. કલાપી એ જ સ્ટેશને રહી જાત પણ ટ્રેન જોસથી ચાલતી નહતી, એટલે એક ત્રીજા વર્ગના ડબાનું બારણું ઉઘાડીને તેમાં બેસવા ગયા. આ ડબામાં કેટલાક કેદીઓ અને સિપાઈઓ હતા, તેમાંથી એક સિપાઈએ કલાપીને ચાલતી ટ્રેને ખેંચી લીધા. આ અનુભવથી નિશ્ચય કરવામાં આવ્યો કે દરેકે પોતાની પાસે થોડા રૂપિયા રાખવા, જેથી અકસ્માત વખતે મુશ્કેલી પડે નહિ.

તા. ૩૧ મી ડિસેંબરે બનારસ છોડી જાન્યુઆરીની પહેલી તારીખે ગયાજી પહોંચ્યા. અહીં ત્રણ દિવસ રહી બન્ને કુમારોએ પિતૃશ્રાદ્ધ કર્યું.

ઈ. સ. ૧૮૯૨ના જાન્યુઆરીની પહેલી તારીખે ગયાજીમાં આ પ્રવાસીઓએ એક ઉત્સવ યોજ્યો હતો. રાણી વિક્ટોરિયાએ પચાસ વર્ષ રાજ્ય કર્યું તે માટે જે ૧૮૮૭ માં જ્યુબિલી ઉજવી હતી, તો તેમના આ વફાદાર રાજ્યકર્તાઓ કેમ જ્યુબિલી ન ઊજવે ? આમ વિચારી તેમણે પહેલી ઑક્ટોબરે શરૂ થયેલી છ મહિનાની મુસાફરીની જ્યુબિલી ત્રણ માસ પૂરા થતાં પહેલી જાન્યુઆરીએ ઉજવી. કલાપી તરફથી સૌને રાત્રે જમણ આપવામાં આવ્યું હતું અને ગવૈયા વગેરેને બોલાવી ધામધૂમ કરવામાં આવી હતી. જ્યુબિલીની ક્રિયા છેક ત્રીજી તારીખે બપોરે બાર વાગ્યે પૂરી થઈ. કારણ ગવૈયાઓ ઘણું સારું ગાતા હતા, એટલે સૌએ ધરાઈ ધરાઈને સાંભળ્યું.

ત્રીજી જાન્યુઆરીએ ગયાથી ઊપડી વૈજનાથ પહોંચ્યા, અને ત્યાં મહાદેવનાં દર્શન કરી પાંચમીએ રાણીગંજ મુકામ કર્યો. બીજે દિવસે ચિન્સૂરા ગયા, અને ત્યાં કલકત્તાની બર્ન ઍન્ડ કંપનીનું ચીનાઈ માટીના વાસણનું કારખાનું જોયું. પછી રાણીગંજની પ્રખ્યાત કોલસાની ખાણો પણ અંદર ઊતરીને જોઈ.