પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨]
કલાપી
 

કલાકની મુસાફરી સિવાય બધો વખત સમુદ્ર શાન્ત હતો. મદ્રાસમાં છ દિવસ રહી દીવાદાંડી, સંગ્રહસ્થાન, ખેતીવાડીની કૉલેજ, નેપિયર પાર્ક વગેરે સ્થળે જોયાં અને ત્યાંથી નીકળી ૮મી ફેબ્રુઆરીએ કાંચી અથવા કાંજીવરમ પહોંચ્યા. અહીં શિવકાંચી અને વિષ્ણુકાંચીનાં મંદિરમાં જઈ દર્શન કર્યાં. હિન્દુ શિલ્પકલાના જેવા ભવ્ય નમૂના અહીંના મંદિરમાં અને મદુરા તથા રામેશ્વરના મંદિરમાં જોવા મળ્યા તેવા ઉત્તર હિંદમાં ક્યાંએ ન જોયેલા હોવાથી પ્રવાસીઓને ઘણો આનંદ થયો.

૧૦મીએ કાંચીથી નીકળા, ત્રિચિનોપલી થઇ ૧૧મીએ મદુરા પહોંચ્યા. મદુરામાં તે સમયે સાઠ હજાર માણસની વસ્તી હતી, જેમાંના ચોથા ભાગના વણાટનું કામ કરતા હતા. અહીં સુંદરેશ્વર મહાદેવ અને મીનાક્ષીદેવીનાં મંદિરો જોઈ ઘણે આનંદ થયો.

૧૩મીએ મદુરાથી બળદના શિગરામમાં બેઠા અને ૧પમીએ રામનદ પહોંચ્યા. આ મુસાફરી પણ પુરી અને કટક વચ્ચેની ઘોડાગાડીની મુસાફરી જેવી જ કંટાળાભરેલી લાગી. કારણ મદુરા અને રામનદ વચ્ચે ૭૦ માઈલનું અંતર છે, અને વારંવાર પૂલો વિનાની નદીઓમાંથી પસાર થવું પડે છે.

રામનદના જમીનદાર ભાસ્કર સ્વામી સેતુપતિને મળવાથી સર્વને ઘણો આનંદ થયો. તેની વાર્ષિક આવક ૯ લાખ રૂપિયાની હતી, અને તે ૨૩ વર્ષનો યુવાન બી. એ.નો અભ્યાસ કરી રહ્યો હતો.

૨૩ માઈલની રેતી અને કીચડવાળી જમીનની મુસાફરી અને ત્રણ માઈલની ખાડીની હોડીની મુસાફરી કરી ૧૬મી ફેબ્રુઆરી ૧૮૮રના રાતના ૯ વાગ્યે હિંદના દક્ષિણબિંદુ રામેશ્વરે કલાપી અને તેમના સંગાથીઓ પહોંચ્યા.

૨૦મી તારીખે રામેશ્વરથી નીકળી રામનદ, મદુરા અને ત્રિચિનોપલી થઈ ૨૮મીએ સૂર્યોદય થતામાં બૅંગલોર પહોંચ્યા. અહીં લાલ બાગ, ટીપુનો કિલ્લો, નંદીનું મંદિર વગેરે સ્થળો જોયાં.