પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ ]
કલાપી
 

એક જ મુહૂર્તે લગ્ન થયાં હોય તો તેમાંથી જે પહેલાં પોંખાય તે પટરાણીનો દરજ્જો ભોગવે. રોહા રાજ્યનાં માણસો ઘણાં કાર્યકુશળ હતાં, એટલે તે કલાપીને મળ્યાં, અને રોહાનાં કુમારીને પહેલાં પોંખવામાં આવે એ પ્રમાણે તેમના મનનું વલણ ફેરવ્યું. ખુદ ઠાકોર સાહેબની જ ઇચ્છા પોતાની તરફેણમાં છે એમ જાણી રોહાવાળાઓ નિશ્ચિંત થયા. પરંતુ લાઠીમાં આ વખતે મેનેજમેંટ હતું, એટલે ત્યાં તો દરેક બાબતમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કહે તે જ પ્રમાણે થતું. આ વખતે કોટડા સાંગાણીમાં પણ મેનેજમેંટ હતું, કારણ રાજકુમારી આનંદીબાના ભાઈ શ્રી. મૂળવાજી સગીર હતા. મેનેજર તરીકે ઉમિયાશંકર નામે કુશળ મુત્સદ્દી હતા. એટલે તે હાલારના ઍસિસ્ટંટ પોલિટિકલ એજંટ મારફત કાઠિયાવાડના પોલિટિકલ એજંટને મળ્યા, અને કોટડાનાં રાજકુમારીને પ્રથમ પોંખવાં એવો હુકમ જ લાઠી જેના તાબા નીચે હતું તે ગોહિલવાડના આસિસ્ટંટ પોલિટિકલ એજંટની ઉપર લખાવીને મોકલી આપ્યો. આ પ્રમાણે થવાથી રોહાવાળાઓ નિરાશ થયા, પણ તેમની કુશળતા આ નાના બનાવથી લાઠીના લોકોના સમજવામાં આવી ગઈ.

સુરસિંહજીને અપર માતાઓ હતાં, અને હવે તેમનાં બે રાણીઓ આવ્યાં. પંદર વર્ષના કવિ હૃદયના રાજકુમારને માથે આ ‘ઝનાના’ ની જવાબદારી ઘણી ભારે ગણાય. આવી પરિસ્થિતિમાં કેમ કામ લેવું તે કલાપી જાણતા ન હતા, અને જાણવાની દરકાર પણ રાખતા ન હતા. રાજખટપટની માફક જ ગૃહખટપટ પણ તેમના સ્વભાવને અનુકૂળ આવે તેમ નહતી. તેમણે તો આદર્શવાદી તરીકે ‘માવરૂં’ અને બન્ને રાણીઓને પૂરેપૂરો ન્યાય મળે તેવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો અને તે પ્રમાણે વર્તવા પણ માંડ્યું.

રાજબા ભણેલાં હતાં. તેમના ઉપર સુરસિંહજીએ લખેલા પત્રો આપણી પાસે મોજુદ છે, પણ તેમણે સુરસિંહજીને લખેલા પત્રોમાંથી એક પણ લભ્ય નથી. છતાં સુરસિંહજીના પત્રો પરથી પણ રાજબાની