પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજવી કવિનું ગૃહજીવન
[ ૩૭
 

શક્તિ વિશે કેટલુંક જાણવાનું મળે છે. તેમને સંગીતનું સારું જ્ઞાન હતું અને કાવ્યો પણ રચી શકતાં હતાં. પોતાના પ્રતાપથી અને સ્નેહાળ વ્યક્તિત્વથી તે શરૂઆતથી જ સુરસિંહજીનો પ્રેમ જીતી શક્યાં.

કવિશ્રી નાનાલાલે થોડા શબ્દોમાં રાજબા, જેમને સાહિત્ય જગત રમાના નામથી ઓળખે છે તેમનું જીવંત રેખાચિત્ર દોર્યું છે.

[૧]'કલાપિ સાહિત્યદરબારનાં મહારાણી હતાં રમાબા. કચ્છનાં કોડ ને રૂ૫ હતાં; ઉછળતી દેહછટા, સિંહણ સમો સિનો હતો. રમાબા હતાં જાજરમાન. ભલભલાને માન મૂકાવે. આંખના આકર્ષણ પણ સિંહ આંખડીના હતા. એમના બોલ ન્હોતા ઝરતા, આજ્ઞાટંકાર થતા. ભજન ગાય ત્ય્હારે પડઘા પડતા. મહેમાનોની મહેમાની એ રમાધર્મ હતો. નિર્ધાર દૃઢતામાં અચળા સમું અચળત્વ, ભજન-ધૂનમાં ગુફા સમો શબ્દગોરંભો, રાજરમતમાં અવસર જીતતાં જાદુ રમાબાનાં હતાં. રાજદરબારીઓ એ સહુ જાણતા, ને ઘણાખરા રમાવશ વર્તતા સ્વયં કલાપીને રમાનાં ગુરૂત્વાકર્ષણ ઘટાઘેરે ઘેરી વળતાં. આદ્યશકિતની રમા કુંવરી હતી : પ્રતાપી, શક્તિશાલિની, જયકલગી વરેલી.'

કલાપી રમાને મળ્યા ત્યારથી જ તેમના પ્રત્યે તેમને અસાધારણ આકર્ષણ ઉત્પન્ન થયું હતું. પ્રેમલગ્નથી જોડાયેલાં દંપતીના જેવોજ રોમાંચક હર્ષોન્માદ આ લગ્નપ્રેમી દંપતીમાં જોવામાં આવે છે. તેમના લગ્નજીવનની શરૂઆતના મધુર મિલનનો પ્રસંગ સંભારતાં બે વર્ષ પછી, ઈ. સ. ૧૮૯૧ના ડિસેમ્બરની ૩૧મી તારીખે કલાપીએ ગયાજીથી લખ્યું હતું: "આજ મને ૧૮૮૯ના ડીસેમ્બર માસની ૩૧મી તારીખ, સ્ટેશનની સડક પર આપણું મળવું, રથમાં સાથે બેસી દરવાજામાં ફુલના વરસાદ અને 'હું ર્ ર્ રા' શબ્દની ગર્જના સાથે દાખલ થવું, અને ઈશ્વરની કૃપાથી રત્નની પ્રાપ્તિ થવી તે બરાબર સાંભરી આવે છે. નજર આગળ તરી આવે છે."


  1. ૧. કલાપીનો સાહિત્યદરબાર : સ્ત્રીબોધ માર્ચ, ૧૯૩૮