પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ ]
કલાપી
 

આ ડિસેમ્બરની ૩૧મી તારીખે કલાપી રાજકોટ જવા માટે નીકળ્યા તે સમયનો પ્રસંગ હોય એમ લાગે છે. કારણ ૨જી જાન્યુઆરી ૧૮૯૦ના રોજ રાજકોટથી તેમણે રમાને જે પત્ર લખ્યો તેમાં તેની પહેલાં પોતે લખેલો પત્ર મળ્યો કે નહિ એમ પુછાવ્યું છે. વળી એ પત્રમાં લખ્યું છે કે પોતે પ્રથમ પત્ર લખ્યો તે પહેલાં તેમને રમાનો પત્ર મળી ગયો હતો. આ પ્રમાણે ૧૮૯૦ના આરંભથી જ શરૂ થયેલ પત્રવ્યવહારની ગતિ અને જથ્થો શરૂઆતનાં વર્ષોમાં અસાધારણ છે. એક દિવસમાં બે બે પત્રો અને તાર મારફત પણ આ દંપતીએ સ્થલના અંતરને સાંધવાનો સતત પ્રયાસ કર્યો હોય એમ દેખાય છે.

શરૂઆતથી જ કલાપીએ રમાને પોતાને પ્રિય એવી કાવ્યપ્રવૃત્તિ તરફ દોરવાનો પ્રયત્ન કર્યો. ‘તમને ગાયનનું સારૂં જ્ઞાન હોવાને લીધે મને લાગે છે કે તમે સાધારણ કવિતા પણ રચી શકતા હશો. જો એમ હોય તો વખત કાઢવાને વાસ્તે એ ઉત્તમ ઈલાજ છે. જો એમ હોય તો તમે એક હોરી રચજો અને રચ્યા પછી સારી નથી થઈ એમ મનમાં ન લાવતાં મને લખી મોકલજો ... જરાપણ આવડતું હોય તો વધારે મેળવવું. જો તમને આ વિષે થોડું જ્ઞાન હોય તો આ વિષયની ચોપડીઓ તમને જે ઠીક લાગે તે મારી પાસેથી મગાવી લેજો.'[૧]

રમા કાવ્યો લખીને કલાપીને લખતાં અને કલાપી પણ કાવ્યો જોડીને રમાને મોકલતા. કવિતાની દૃષ્ટિએ કલાપીનાં આ કાવ્યોની કીમત અત્યારે બિલકુલ ન લાગે, છતાં જીવનચરિત્રની દૃષ્ટિથી તેનો ઘણો ઉપયોગ છે. તે જ પ્રમાણે કલાપી સંસ્કૃત વૃત્તોમાં ઉચ્ચ પ્રકારના કાવ્યો લખવા માંડ્યા તે પહેલાં તેમના શરૂઆતના પ્રયાસો કેવા હતા તે જાણવાથી તેમણે કરેલી પ્રગતિનો બરાબર ખ્યાલ આવી શકે છે અને તેમના કવિ તરીકેના મૂલ્યાંકનમાં તેથી ઘણી સહાય મળે છે.


  1. ૧. તા. ૨−૧−૧૮૯૦.