પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ ]
કલાપી
 

શાન્ત કરતી, પણ હવે એનું પરાક્રમ તો તમે છીનવી લીધું છે. [૧]

એક પત્રમાં મથાળું કરવામાં આવ્યું છે: 'કેદખાનું (રાજકુમાર કોલેજ)' એ કલાપીના આ શબ્દોનું સચોટ રીતે સમર્થન કરે છે.

અહીં વિચારશીલ વાંચનારને બે પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. પહેલો પ્રશ્ન તો એ કે કલાપીનું આ વાક્ય જાણીતું છે કે: ‘લગ્ન થયાં પણ મને મારા અભ્યાસમાં નડનાર ને અરૂચિકર હતાં’ એનો મેળ કલાપીના આ ઉક્ત દાંપત્યપ્રેમની સાથે કેવી રીતે બેસાડવો? તેનો એક ઉત્તર તો કલાપીએ ઉપર જ આપી દીધો છે કે તેમનો પ્રેમ હવે અભ્યાસ અને રમા વચ્ચે વહેંચાઈ ગયો. અને બીજો ઉત્તર પણ આ વાક્ય જે પત્રમાં આવે છે તેમાં જ કલાપીએ જ આપી દીધો છે.

ઉપર લખેલા વાક્ય પછી પત્ર આગળ ચાલે છે ‘એ અરૂચિ આ છોકરીને જોયા પછી ઉડી ગઇ. લગ્ને મ્હને બે સ્ત્રીઓ આપી હતી. જેને હું સમજી શકતો નહિ. એને ન્યાય આપવામાં પ્રેમ કરતાં વધારે મારૂં હૃદય રોકાયું હતું. પણ લગ્ને મ્હને આ બાળકી પણ આપી હતી. રાજાના કુટુંબની એકથી વધારે સ્ત્રીઓના પરિણામ રૂપે નીપજતી ખટપટ, મ્હારા ગૃહમાં, મ્હારી સંપ તરફની અભિરૂચિને લીધે જ અને વ્હેવારકુશળતાના અભાવે વ્હેલી આવી. ભલે આવી. રમાને હું સમજી શક્યો અને આનંદ થયો. ( બીજી સ્ત્રીને ) પણ સમજી શક્યો અને કાંઇ ખેદ થયો. પણ હવે રમાને ત્યાં જમવા વિ. ની ગોઠવણ થતાં એ ખેદ અને એ આનંદ બંને પેલી ન્હાની શોભના વિશેષ નિકટ આવવાથી ઉડી ગયા. રમામાં ગુણ હતા, કાંઈ સૌંદર્ય પણ હતું, પણ સૌથી વિશેષ કાંઇ એની દાસીમાં હતું.’[૧]એટલે રમાની તરફ કલાપીનું જે આકર્ષણ થયું અને વધતું ગયું, લગ્ન અરુચિકરને બદલે રુચિકર લાગવા માંડ્યું,


  1. ૧.૦ ૧.૧ ૧ શ્રી. કલાપીની પત્રધારા, પૃ. ૪૭૪−૭૬