પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨ ]
કલાપી
 

કરું ? આ શરીર, આ વિચારો, આ હૃદય, આ મન એમાંનું કાંઈ હવેથી મારૂં નથી. કારણ કે તે તો મેં ક્યારનાયે...... તને અર્પણ કરી આપેલ છે. હવે તેની સાચવણ તને જેમ ઉચિત લાગે તેમ કરજે ?’

આવી વાક્‌છટાની સાથે વારંવાર કલ્પના પણ ભળે છે. મદનને શંકરે બાળ્યો છતાં હાલ તે કેવી રીતે દુઃખ દઈ શકે ? અનંગ છતાં તે બળ કેમ વાપરી શકે ? વગેરે પ્રશ્નો ઉઠાવી તેના કલ્પનાથી જવાબ પણ કલાપી આપે છે. વળી અલંકારો પણ તેમના પત્રોમાં વારંવાર દેખાય છે. આ પ્રમાણે કવિતાની સામગ્રી તેમના પત્રોમાં પણ ભરપૂર દેખાય છે. તાત્પર્ય કે ભવિષ્યના કવિનાં આ લખાણો છે એમ તો ચોક્કસ લાગે તેવું છે. તેનો એક છેલ્લો દાખલો આપી દઉં. રમાના રોહા ગયા પછી પત્રમાં જરા વિલંબ થતાં આ કવિહૃદય કેવી પ્રશ્નપરંપરા કરે છે !

‘સખીઓએ શું બધો વખત લઈ લીધો ? સગાંવહાલાં શું બધી પ્રીતિ લુંટી ગયાં ? રમતગમતે બધું મન ખેંચી લીધું શું ? ગાયન અને ઢોલ વગેરે સાધનોએ જૂની ઓળખાણ મનમાં આણી હાથ અને જીભ પોતાની સાથે જ શું રોકી રાખ્યાં ? આમ તેમ રખડતા, પ્રીતિથી પીગળી ગયેલા કોમળ હૃદયવાળા મિત્રને શું વિસારે મેલ્યો ? તેનું વિયોગનું દુઃખ પણ મનમાં ન આણ્યું ? કાગળથી સુખ આપવું પણ બંધ કર્યું ?’[૧]

આ પત્રોના ઉતારા જેમ કલાપીની કવિ તરીકે શક્તિ બતાવે છે તે જ પ્રમાણે તેમની રમા પ્રત્યેની ઉચ્ચ પ્રેમની ભાવના પણ વ્યક્ત કરે છે. આમ છતાં કલાપીએ પ્રેમને બદલે ન્યાય આપવાનો પ્રયાસ શરૂઆતમાં કર્યો હતો એમ કહ્યું છે તે તરફ તેમને પોતાને ન્યાય આપવા માટે આપણે જોવું જોઇએ.


  1. ૧ તા. ૭−૧૦−૯૧