પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ ]
કલાપી
 

છે. તેમાં લેખકે પોતાના તરફથી અનુમાનો દોરીને ચિત્રનો વિસ્તાર વધારવાનો કાંઈ પણ પ્રયાસ કર્યો નથી અને કલ્પનાના રંગો ઉમેરીને તેમાં ભભક લાવવાનો પણ પ્રયાસ કર્યો નથી. આ હકીકત જેમ બને તેમ કલાપીના જ શબ્દોમાં આપવાની પદ્ધતિ આ ઉદ્દેશ માટે વધારે ઉપયોગી થઈ પડશે એમ લાંબા વિચારને અંતે લાગ્યું છે. તે માટે પ્રથમ આત્મવૃત્તાંતના રૂપમાં આ પ્રકરણ લખવાનો પ્રયાસ કર્યો. એ માટે કલાપીના કેટલાક પત્રો ઘણાં અનુકૂળ છે. પરંતુ એ પત્રોમાંથી જુદા જુદા ભાગો જોડીને જે લખાણ તૈયાર થયું તેમાં વચ્ચે વચ્ચે સાંધા આવતા હતા તે એક બીજા સાથે મળી જતા હોય એમ લાગ્યું નહિ. જુદી જુદી વ્યક્તિઓને, જુદા જુદા સમયે લખાયેલ પત્રોમાં આવું બને એ સ્વાભાવિક છે. વળી આ પાત્રોની સાથે કલાપીનાં કાવ્યોને કેવી રીતે મેળવી દેવાં એ પ્રશ્ન પણ વિકટ લાગે. કારણ કાવ્યોની અને પત્રોની ભાષાશૈલી તદ્દન જુદા જ પ્રકારની છે. પત્રોમાં સરલ, નિખાલસ શૈલી છે, ત્યારે કાવ્યોમાં કલ્પનાના અને કલાના અંશો હકીકતની સાથે એમને એમ છૂટા ન પાડી શકાય તેવી રીતે ભળેલા છે. એટલે તેમાંથી કોઈ છૂટક પંક્તિઓ, અન્વય કરીને પણ મૂકી શકાય તેમ નથી.

કથાપદ્ધતિ–જેમાં સંવાદ, પાત્રાલેખન વગેરે આકર્ષક અંગો આવી શકે તેનો પણ વિચાર કર્યો. પરંતુ તેમાં વાંચકોના મનમાં સાચું જ ચિત્ર ઊઠશે એવી ખાત્રી ન લાગી. જ્યાં ચરિત્રના નાયકના જીવનની હકીકતોથી વાંચકો બરાબર વાકેફગાર હોય ત્યાં આ પદ્ધતિ બરાબર છે. જેમકે, શૈલીનાં અનેક જીવનચરિત્રો મોજૂદ છે, ત્યાં 'એરિયલ' એ નામથી ફ્રેન્ચ લેખક આ મોરવાંએ તેનું જીવનચરિત્ર લખ્યું છે અને તે નવલકથાના જેવું રસિક બન્યું છે. પરંતુ પહેલીવાર કલાપીનું જીવનચરિત્ર લખાતું હોય ત્યાં તે હકીકતો, વિગતો, અને વધુ વિગતો અને હકીકતો એ જ યોગ્ય માર્ગ છે એમ મને લાગ્યું છે, અને તેથી શરૂઆતમાં કહેલ પદ્ધતિ અહીં સ્વીકારી છે.