પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હ્રદયત્રિપુટી
[ ૪૭
 

[૧] કલાપીનું લગ્ન થયું તેના બીજા જ દિવસે તેમણે એક છ સાત વર્ષની બાલિકાને તેમના મકાનની નીચેથી ચાલી જતી જોઈ. તેમના શિક્ષક ત્રિભુવન જાની પણ આ મધુર નિર્દોષતાની મૂર્તિને જ જોઈ રહ્યા હતા. તેને બોલાવી તેની સાથે વાત કરવાની ઈચ્છા તેમના મનમાં થઈ પણ કાંઈક શરમ લાગી. પણ જાની માસ્તરે તેને બોલાવી. તે રમાની દાસી મોંઘી હતી, જેને કલાપીએ 'શોભના' નામ આપી સાહિત્યમાં અમરતા અર્પી છે. આ અપૂર્વ માધુર્યની મૂર્તિ જોઈ કલાપીને તેની પ્રત્યે વાત્સલ્યભાવ પ્રકટ્યો આ અજાણી ખવાસની બાલિકા પાંચ મિનિટના સહવાસમાં જ સુરસિંહજીના કવિહૃદયનું હરણ કરી ગઈ. આ સમયે તેમને સોળ વર્ષ થયાં હતાં, પણ માતાના શિક્ષણને પરિણામે હજુ તે સ્ત્રીપુરુષનો પ્રેમ એટલે શું તે સમજતા ન હતા.

પણ હવે રમાને ત્યાં જમવાનું થતાં આ બાલિકા શોભનાની હાજરીને લીધે કલાપીને જીવનમાં અપૂર્વ સ્નેહાનંદ લાધ્યો. કલાપીએ તેને ભણાવવા માંડ્યું અને બે વર્ષમાં તેણે સારી પ્રગતિ કરી. પછી કલાપી પ્રવાસે ગયા, ત્યાં રમાના પત્રોની સાથે શાભનાના પત્રો પણ આવવા લાગ્યા. કલાપી રમા પરના પોતાના પત્રોમાં વારંવાર 'મોંઘી બેટા'ને તેનો અભ્યાસ ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપતા.

તા. ૨૪-૧૦-૯૧ના પત્રમાં લખ્યું છે. 'મોંઘીના અક્ષર વાંચ્યા.' ત્યારપછી બીજે દિવસે લખેલા પત્રમાં કહ્યું છેઃ 'મોંઘીના અક્ષરો જોઈ અને ઘણું જ દુઃખ થાય છે. હા, એ બિચારી મને સંભારે છે !' તા. ૧-૧-૯૨ના પત્રમાં ટૂકો સંદેશ મળે છેઃ 'મોંઘીની ચીઠ્ઠી પહોંચી. એને કહેજે કે આ ચીઠ્ઠી સારી લખાણી છે.' શોભના ઉપર આ પ્રવાસ દરમ્યાન લખાયેલ એક ટૂંકો પત્ર કલાપીના હૃદયની કોમળ લાગણી સમજવામાં મદદગાર થઇ પડે તેવો છે.


  1. ૧ કાન્તને પત્ર, તા. ૧૧-૧૨–૯૭ સં. કલાપીના પત્રો (મુનિકુમાર ભટ્ટ) પૃ. ૨૪-૨૮