પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ ]
કલાપી
 

તળાવ બની જાય છે. એ પ્રમાણે હવે આ સિન્ધુનું પણ બન્યું છે અત્યારે આ સિન્ધુ કડવો બન્યો છે, તે જ પ્રમાણે કોઈ વખત બીજો સાગર પણ કટુ લાગશે. પણ હાલ તો આ છોડી જ દે. હવે હું જોઉં છું તો મને એક બાજુ મારું જૂનું તળાવ, એટલે રમા-હૃદય હાંફતું દેખાય છે, તે બીજી બાજુ શોભના-હૃદયરૂપી સિન્ધુ ગાજતો દેખાય છે. હું મારા હૃદયમાંથી વધેલો રસ બન્નેમાં ઢોળું છું, પણ હવે તળાવના જલ સાથે મારા હૃદયરસનો મેળ ખાતો નથી. મને ત્યાં સિન્ધુ ખેંચે છે, પણ અરેરે, અહિં તળાવ રડે છે. ત્યારે હવે હું મારું હૃદય ક્યાં ઠાલવું? વ્હાલા તળાવ, તું જ ફરીને સમુદ્ર બની જા. તું જ તારો રસ વિસ્તીર્ણ કર. પણ હું શું જોઉં છું ? એ જલ તો વધુ ને વધુ સંકોચાતું જાય છે, અને મારું હૈયું વધારે ને વધારે વિસ્તીર્ણ બનતું જાય છે. બસ ત્યારે હવે સમજાયું. સંકોચ પામેલું હૃદય કદી વિકસી શકતું નથી, અને વિકાસ પામેલું હૃદય સંકોચાઈ શકતું નથી. તો પછી હે તળાવ, તને છેલ્લી સલામ. હું તને તજી જાઉં છું. આપણે ફરીથી મળીએ કે ન પણ મળીએ. પણ હું તારા ઉપકારનું હમેશાં સ્મરણ કરીશ. હું આમ વિચાર કરું છું ત્યાં તો સિન્ધુ મને આકર્ષે છે. હું તેમાં ડૂબું છું, પણ ડૂબતાં ડૂબતાં એ જૂના નામનો જાપ જપી રહું છું.'

કલાપીના હૃદયની મહાન વ્યથાનું પણ કારણ આવું મહાન જ હતું. નવા પ્રેમથી આકર્ષાયા છતાં તે જૂના પ્રેમને વીસરી શકતા નહિ. રમા સાથેના લગ્નની જવાબદારીનું આ ભાન ન હતું. કારણ જો એમ હોય તો તેમણે તેમનાં બીજાં રાણીને પણ યાદ કર્યાં હોત. આ કોટડાવાળાં રાણી પ્રત્યે પણ તેમણે પોતાની ફરજ બજાવવાની સતત કાળજી રાખી હતી. પણ રમા પ્રત્યેની જવાબદારી તો લગ્ન ઉપરાન્ત પ્રેમની હતી. અને એ જ મુખ્ય હતી. નહિ તે ઘણી સહેલાઈથી તે ત્રીજું લગ્ન કરી શકત. પણ આ ત્રીજું લગ્ન પણ પ્રેમને માટે હતું અને તેમાં એકને ચાહનારે બીજાને ચાહવાનું હતું.