પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ ]
કલાપી
 

પુષ્કળ દેખાય છે, અને તેની ઝિન્દગી એ પણ શું મારો સ્વાર્થ નથી ? મેં પરાર્થે આ કાર્ય કર્યું છે એમ હું કહેવા માગતો નથી; પરંતુ મારા કાર્યમાં–પાત કરતાં ઉત્થાનની દૃષ્ટિ મને વધારે પ્રબળ લાગે છે. હું સહન નથી કરી શક્યો અને મેં આ કર્યું એમ હું માનતો નથી, અને તેટલામાં જ મારા અંતઃકરણને સર્વ શાન્તિ છે. તમે જ તે બાલાની સ્થિતિ જાણતા હો તો કદાચ મારા કાર્યમાં મદદ કરવા ઉભા થાત. પરંતુ દુનિયાએ તો હાલ મને પાપી જ માનવો જોઇએ. અને તે માનવાની તૈયારી કરી લીધા પછી જ તે બાલાને હું મદદનો હાથ આપી શક્યો છું. આ તો મારા હૃદયનો ઇન્સાફ થયો. બાકી સાચો ઇન્સાફ તો પ્રભુ ધારતો હોય તે ખરો.’

લલિતે તો માત્ર પોતે સાંભળેલી વાત ખરી છે કે ખોટી એટલું જ પુછાવ્યું હતું. પણ કલાપીને અન્ય સ્નેહીઓ તરફથી શિખામણ, ઠપકો વગેરે પણ મળ્યાં હશે. પોતાનું પગલું કાન્તને નહિ જ ગમે એમ કલાપીએ માન્યું હતું, અને તેથી તેમને આ બાબતની બીજે જ દિવસે ખબર આપતાં શરૂઆતમાં જ લખ્યું હતું : 'તમને આ વાંચીને બહુ ખેદ થશે પરંતુ' વગેરે.

મણિલાલ નભુભાઈ કલાપીના મુખ્ય સલાહકાર અને ગુરુ હતા. આ સંબંધમાં તેમની સાથે કલાપીને લંબાણ પત્રવ્યવહાર થયો હતો. કાન્તને તો કલાપીએ માત્ર પોતાના પ્રણયજીવનની કથા જ લખી મોકલી હતી, કારણ તે મિત્ર હતા, પણ મણિલાલ પાસે તો હમેશાં દોરવણી માગી હતી. મણિલાલે વર્ષો સુધી સંયમની અને ત્યાગની જ સલાહ આપ્યા કરી. તેમની ભલામણ પ્રમાણે કલાપીએ ધ્યાન કરવાનું શરૂ કર્યું, પણ ॐકારની સાથે જ શોભનાનું મોં ભળી જતું હતું, અને કલાપીને તે અડચણ કરનાર નહિ, પણ રસિક અને સુગમ લાગતું હતું. મણિલાલે અનંત જીવન તરફ કલાપીને દોરવા પ્રયાસ કર્યો, આ જીવનમાં રમામાં જ ચિત્તને મર્યાદિત કરવા સમજાવ્યા, તે માટે રમાના ગુણો તરફ વારંવાર તેમનું ધ્યાન ખેંચ્યું,