પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૃદયત્રિપુટી
[૬૧
 


એવું તેમના પત્રો વાંચવાથી માલૂમ પડે છે. અને કલાપીએ દરેક પત્રમાં મણિલાલને ખાત્રી આપી છે કે તે તેમની સલાહ પ્રમાણે જ ચાલશે. મણિલાલ બતાવતા હતા તે જ સદ્દગુણ છે એમ પણ કલાપીને લાગતું હતું; વળી છૂપી રીતે તો પોતે કાંઈ જ નહિ કરે એવી ખાત્રી પણ મણિલાલને તેમણે આપી હતી. પોતાની અધીનતા દર્શાવતાં કલાપીએ લખ્યું હતું: “એટલું માનું છું કે આપના નિશ્ચયો એ જ મારા નિશ્ચયો હોવા જોઈએ.”

આ સર્વ ઉપરથી લાગે છે કે કલાપીએ છેવટનું પગલું મણિલાલની ઇચ્છા વિરુદ્ધ તો નહિ જ ભર્યું હોય. મણિલાલ લાઠી આવી ગયા અને તેમની સાથેની વાતચીતથી કલાપીને ઘણો સંતોષ મળ્યો. તેમણે કલાપીને કંગાળ રીતે નહિ પણ વીરતાથી સહન કરવાની અને આ રીતે સહન ન થાય તો બહાદુરીપૂર્વક પોતાના મનનું ધાર્યું કરવાની સલાહ આપી હોય એમ લાગે છે. કલાપીની નીચેની પંક્તિઓ વાંચતાં આવું સમજાય છે[૧]: 'આપ કાલે જશો. પરમ દિવસે કદાચ હું શોભના સાથે હઈશ કે સ્ત્રીના શબ્દ માત્રથી દૂર-એકલો હઈશ. જ્યાં હઈશ ત્યાં આપ તરફ દૃષ્ટિ રાખી સુખી હઈશ.

'શોભનાના સારા કે માઠા એક વિચારથી હૃદય ઉછળી જાય છે; તો પણ, દુઃખ જ હજી આવે તો પણ મેં જેવી કંગાળ રીતિએ સહન કર્યું છે તેમ તો હવે નહિ જ કરું. અને મારી કંગાલીઅત કાઢી નાખનાર આપ જ છો. એ કંગાલીઅત જાય તો પછી વધારે સુખ દુનિયામાં શું મળવાનું હતું ? હું આપ માટે કાંઈ કરી શકું તો અત્યારે તો એટલું જ છે કે મારા તરફની ચિંતાથી આપને દૂર કરૂ અને સર્વ રીતે તે કરવા, હું શબ થઈ જઈશ તો પણ, તૈયાર રહીશ.'

એટલે મણિલાલે તો કલાપીને સ્વતંત્ર અને નિશ્ચિત કરી દીધા હોય એમ લાગે છે. પણ બીજા એક મિત્રે જુદી જાતનો અભિપ્રાય


  1. ૧૩ મણિલાલને પત્ર ('શ્રી. કલાપીની પત્રધારા " પૂ. ૬૬-૬૭).