પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ ]
કલાપી
 

તેમના ક્ષત્રિય મિત્ર રાણા સરદારસિંહજી પણ તેમના ગુરુ મણિલાલની જેમ જ તેમને બીજી બધી બાબતોના કરતાં તેમણે પોતાનો રાજા તરીકનો ધર્મ બજાવવા માટે વધારે પ્રયાસ કરવો જોઈએ એમ સલાહ આપતા હતા. અને તેમને કલાપીએ જવાબ આપ્યો હતો: ‘કવિ થવા કરતાં મ્હારે વધારે બાહોશ રાજ્યકર્તા થવું જોઈએ એ સલાહ બરાબર છે, અને હવે મેં તે તરફ ગતિ કરવા નિશ્ચય કર્યો છે.’ [૧]

રાજગાદી સોંપાયા પછી સુરસિંહજીએ પ્રથમ ખરેખરી રીતે સ્વતંત્ર થવાનો પ્રયાસ કર્યો. તેમનો સ્વભાવ એવો હતો કે જે માણસ પાસે હોય તેની અસર થયા વિના રહે નહિ. તેથી કોઈ માણસને રાજ્યકારભાર સંબંધમાં પોતાની પાસેના માણસ તરીકે રાખવો નહિ એમ તેમણે નક્કી કર્યું. પછી, રાજ્યને નિયમમાં મૂકવાની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં બજેટ હાથમાં લીધું. કારણ લાઠીનું ખર્ચ એટલું બધું વધી ગયું હતું કે તુર્તમાં કાંઈ વ્યવસ્થા કરવામાં ન આવે તો રાજ્યને મોટી હાનિ થવાનો સંભવ હતો. લાઠીનાં ઘણાં ગામો ચાલ્યાં ગયાં હતાં એટલે એ પાછાં મેળવવા માટેની ખટપટ પણ કરવાની હતી. તે માટે, એક માણસને એ કામ સોંપવાનું નક્કી કર્યું.

એજન્સીના માણસોને નોકરીમાં રાખતાં વિચાર કરવાની સૂચના મણિલાલે કરી હતી. તે વિશે સુરસિંહજીએ જે જવાબ આપ્યો હતો તે તેમની તીક્ષ્ણ અવલોકનશક્તિ બતાવે છે. તેમણે લખ્યું હતું કે એ માણસોમાં કાંઈક એવું હોય છે જે તેમને કદી ગમતું ન હતું. ‘નઠારે માર્ગે હમેશાં સત્તા વાપરવાની ટેવથી તેઓના ચહેરા ઉપર જ મગરૂરીની એવી છાપ બેસી ગયેલી હું જોઉં છું કે તેઓથી હું બને તેટલું દૂર રહું છું, અને રહીશ.[૨]

રાજા તરીકેની ફરજોમાં સુરસિંહજીને સૌથી કટુ ફરજ શિક્ષા


  1. ૧ તા. ૨૦–૮–૯૩. ‘શ્રી. કલાપીની પત્રધારા’
  2. ૨ ‘શ્રી. કલાપીની પત્રધારા’ પૃ. ૧૫