પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૬૯
 

કલાપીએ દરરોજ બે અઢી કલાક રાજ્યકાર્ય કરવા માંડ્યું અને દરેક માણસ તેમની પાસે આવી શકે તેવી ગોઠવણ કરી.

કોઇ કોઈ વાર તેમને લાગવા માંડ્યું કે ફરિયાદીની ફરિયાદ સાંભળી નિકાલ આપવાનું કામ તેમણે માન્યું હતું તેમ સાવ શુષ્ક ન હતું. એક સુન્દર કાવ્ય વાંચતાં જેટલો આનંદ મળે તેટલો આનંદ તેમને પોતાના ગરીબ પ્રજાજનોની ફરિયાદો સાંભળવામાં આવ્યો હતો એવું પણ તેમણે એક પત્રમાં મણિલાલને જણાવ્યું છે.

પણ આવા સામાન્ય સુધારાઓથી સુરસિંહજીને સંતોષ થયો નહિ. તેમને લાગ્યું કે પ્રજાને ખરેખર સુખી કરવી હોય તો આ બધું રાજ્યચક્ર ફેરવવું જોઇએ. અને તે માટેનો છેવટનો નિર્ણય મણિભાઈ રૂબરૂ મળવા આવે તે સમયે કરવાનું ઠરાવ્યું.

આમ એક બાજૂ સુધારા અને ક્રાન્તિના વિચારો ચાલતા હતા ત્યારે બીજી બાજુ વૈરાગ્યની ભાવના પણ પોતાનું કામ કર્યા કરતી હતી. સુરસિંહજીનો વિષાદ અર્જુનની માફક સંપૂર્ણ રીતે દૂર થયો ન હતો. પોતાની ઇચ્છાથી તે રાજ્ય ચલાવતા ન હતા, પણ મણિભાઈ જેવા સ્નેહી ગુરુની આજ્ઞાને માથે ચઢાવીને કર્તવ્ય તરીકે સ્વભાવ વિરુદ્ધના કાર્યમાં પ્રવૃત્ત થયા હતા. અને તેમણે ઘણી સ્પષ્ટ રીતે શરૂઆતમાં જ કહી દીધું હતું : 'આપ મને રાજ્યકાર્યમાં પ્રવૃત્ત થવા કહો છે. હું થઈશ, પણ એ વેશ હું ભજવી શકીશ નહિ.'[૧]

આ પ્રમાણે મંથન ચાલ્યા કરતું હતું તેવામાં મણિભાઈનું અવસાન થયું. કલાપીને તેથી પારાવાર ખેદ થયો. તેમના જેવા સ્નેહી ગુરુ બીજા મળી શકે તેમ ન હતા, પણ ગુરુને સ્થાને તો તે પછી સુરસિંહજીએ ગોવર્ધનરામને બેસાડ્યા.

ગોવર્ધનરામની સાથે પત્રવ્યવહાર તો સુરસિંહજીએ ૧૮૯૩ થી શરૂ કર્યો હતો. તેમાં મોટે ભાગે પોતાના વાંચન અને અભ્યાસની


  1. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'