પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦ ]
કલાપી
 

હકીકતો લખતા અને તે માટે સલાહ માગતા. તે પરથી માલૂમ પડે છે કે સુરસિંહજીએ મહાભારતનું 'શાન્તિપર્વ' વાંચ્યું હતું, અને 'અનુશાસનપર્વ' વાંચવાનો તેમનો વિચાર હતો. કાયદામાં પીનલકોડ તથા પ્રોસિજરકોડ વાંચ્યા હતા, અને 'કૉન્ટ્રેક્ટ ઍકટ' તથા 'હિન્દુ અને મોહમેડનલોઝ' વગેરે વાંચવાની યોજના કરી હતી. લાઠીના ન્યાયાધીશની સાથે તે કાયદાનાં આ પુસ્તકો વાંચતા હતા.

મણિલાલના મૃત્યુ પછી ગોવર્ધનરામ પાસે રાજ્યકારભાર સંબંધમાં દોરવણી આપવાની માગણી કરતાં સુરસિંહજીએ લખ્યું હતું : ‘કારભારી અને રાજા વચ્ચે ઘણી વખત ન્હાની મોટી વાતમાં મતભેદ રહે છે; અને તે ગંભીર સમયે રાજા ઉપરી હોવાથી તેના જ વિચારો અમલમાં મૂકી દેવા તે ઠીક લાગતું નથી. આવે સમયે રાજા કારભારી બંને જે પર વિશ્વાસ રાખી શકે તેવા તટસ્થ અને સમર્થ પુરૂષની જરૂર જણાય છે. અહીં પણ તેવી જરૂરિયાત ઘણી વખત આવે; એવે સમયે અમે આપની પાસે આવીશું, એમ જ ટૂંકામાં કહેવું ઠીક છે. મ્હને અને મ્હારા કારભારીને બન્નેને આપમાં એટલી શ્રદ્ધા છે. વળી આપ હવે તુર્ત રિટાયર થવાના છો, તેથી કોઈ કોઈ વખત અત્રે પધારતા જશો, અને સૂચનાઓ પણ આપતા જશો. આવા કાર્યમાં આપને પણ આનંદ મળશે એવી મ્હારી ખાતરી હોવાથી જ, કશા ઉપોદ્‌ઘાત વિના, આ પ્રમાણે લખું છું.'[૧]

આ માગણી ગોવર્ધનરામે સ્વીકારી હતી અને પત્રવ્યવહાર ઉપરાન્ત તે જાતે લાઠી આવ્યા પણ હતા.

સુરસિંહજીના જીવનના છેવટના સમયમાં કાઠિયાવાડમાં છપ્પનિયાનો ભયંકર દુકાળ પડ્યો હતો. તેમાં સંખ્યાબંધ માણસો અને જાનવર સપડાઇને ભૂખથી મરણ પામ્યાં હતાં. આ સમયે સુરસિંહજી પોતાની ફરજ બજાવવા માટે પૂરા ઉત્સાહથી લાગી ગયા હતા, એ તેમણે ગોવર્ધનરામને લખેલા પત્ર પરથી જાણવામાં આવે છે.


  1. ૧. ‘શ્રી. કલાપીની પત્રધારા’