પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ ]
કલાપી
 

[૧]ઠાકોર સાહેબ માનતા હતા કે રાજા અને કારભારી મિત્ર જેવા હોવા જોઇએ અને બન્નેમાં પરસ્પર શ્રદ્ધા જોઇએ. છતાં બન્નેએ ખાનગી બાબતો અને રાજકીય બાબતોને જુદી સમજવી જોઇએ, તે માટે તેમણે સૂચના કરી હતી કે તેમના કારભારીએ વાતવાતમાં લાગી જવાનો સ્વભાવ બદલવો જોઇએ, અને તેમણે જાતે શરમાળપણું ઘટાડવું જોઇએ. વળી ઠાકોર સાહેબ કોઈ બાબત પૂછે અથવા કાગળો મંગાવે તો કારભારીએ પોતાના પર અવિશ્વાસ છે એમ સમજવું નહિ, કારણ કે તેમનો જૂના કારભારીની માફક જ આ કારભારીની ઉપર પણ પૂરો વિશ્વાસ હતો.

કારભારીની સાથે તેમણે નીચે પ્રમાણે કામની ગોઠવણ કરી હતી. મંગળ, ગુરુ અને શનિએ બપોરે બે વાગ્યે બન્નેએ મળવું. અને બુધ તથા શુક્રવારે ઠાકોર સાહેબે ગમે તે ઑફિસનું કામ તપાસવું.

આ પ્રમાણે ઠાકોર સાહેબે ધીરે ધીરે રાજ્યકારભારનું કામ હાથમાં લેવા માંડ્યું હતું અને લોકો વાતો કરવા લાગ્યા કે ઠાકોર સાહેબ કારભારીને રજા આપવાના છે અને તે જશે. પણ તેમણે કારભારીને પત્ર લખીને દર્શાવ્યું કે હકીકત આથી ઊલટી જ હતી. રાજ્ય છોડીને પોતે જ ચાલ્યા જવા માગતા હતા. એટલે જો કારભારીને મેનેજર તરીકે રહેવાની ઇચ્છા હોય તો રહે અને નહિ તો બીજો માણસ આવે. વળી એ રહે કે જાય પણ ઠાકોર સાહેબ તો તેમના મિત્ર જ રહેશે એવી ખાત્રી તેમણે આપી હતી.

પોતાનાં માતુશ્રીના મરણના સમયથી જ રાજ્ય છોડી જવાની વૃત્તિ તેમના મનમાં ઉત્પન્ન થઈ હતી. એ પોતાને માટેનું પ્રભુનું નિર્માણ છે એમ સુરસિંહજી માનતા હતા. કારણ તેમને સત્તા, કીર્તિ, રાજ્યપદ, વૈભવ વગેરે બાબતોમાં બિલકુલ રસ ન હતો. એ સર્વ તેમને બોજારૂપ લાગતું હતું.

માતાના અવસાન સમયે સુરસિંહજીનું વય ૧૪ વર્ષનું હતું.


  1. ૧. 'શ્રી. કલાપીની પત્રધારા'