પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ ]
કલાપી
 

મનમાં વૈરાગ્યવૃત્તિ જોરથી ઊછળી આવી. પોતાનો સ્વભાવ રાજ્યકારભાર માટે બિલકુલ અનુકૂળ નથી એમ તેમણે પોતાના ગુરુ મણિભાઇને સમજાવવા પ્રયાસ કર્યો. પણ તેમણે પણ એવી રીતે ઉતાવળ કરવાની ના કહી, અને કેટલાક સમય માટે રાજ્યકારભારના કામની અજમાયશ કરી જોવાની ભલામણ કરી. અને પછી જો રાજ્યવ્યવસ્થાની બીજી ગોઠવણ થઈ શકે તો જવું, એમ પણ કહ્યું. એટલે ઉપર દર્શાવ્યું તે પ્રમાણે સુરસિંહજી કર્તવ્ય બજાવવા ઉદ્યુક્ત થયા. તેમણે બની શકતો સર્વ પ્રયત્ન કરી જોયો, પણ છેવટે એક વાર ફરીથી અદમ્ય વૈરાગ્યવૃત્તિએ ઉછાળો માર્યો.

પ્રથમ તો તેમણે હમેશને માટે ગાદી છોડવાનો વિચાર કર્યો હતો, પણ પછી ગોવર્ધનરામની સલાહ પ્રમાણે તે વિચાર ફેરવ્યો, અને ત્રણચાર વર્ષ સુધી રાજ્ય છોડવાનું નક્કી કર્યું. આ ઐચ્છિકવનવાસ દરમ્યાન એમ લાગે કે એકાન્તવાસમાં રહી લખવા વાંચવામાં જેવો આનંદ પડે છે, એવો જ આનંદ રાજ્યમાં રહી રાજ્ય ચલાવવામાં પણ પડશે તો પાછા આવવું. પણ સુરસિંહજીને ખાત્રી હતી કે તેમને આવું કદી લાગશે નહિ.

રાજ્યકર્તા થવાને માટે જે ગુણો જોઇએ તે ગુણો પોતાનામાં ન હતા એમ સુરસિંહજી માનતા હતા. તેમનું હૃદય ફકીરી હૃદય હતું. તેમની જે પ્રકૃતિ રાજ્યકર્તા તરીકે તેમને દૂષણરૂપ લાગતી હતી તે જ પ્રકૃતિ રાજ્ય છોડ્યા પછીની સ્થિતિમાં તેમના ભૂષણ રૂપ ગણાય તેવી હતી એમ તે માનતા હતા.

રાજ્ય ન છોડવાની સલાહ આપનારાઓમાંથી કેટલાક માત્ર વિવેકની ખાતર બોલતા હતા, ત્યારે બીજાનું અંતઃકરણ દાઝતું હતું માટે કહેતા હતા. આ માંહેના પહેલા વર્ગ માટે તો કાંઇ કહેવાની જરૂર ન હતી, પણ પોતે દુઃખી થશે એમ માની દયા ખાઇને જે કેટલાક રાજ્ય ન છોડવાની સલાહ આપતા હતા તેમને સુરસિંહજીએ જણાવ્યું કે કોઇને યે દુઃખી થવું ગમતું નથી. વળી પોતે સુખદુઃખને