પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ પહેલું
લાઠીના કુમાર

કાઠિયાવાડમાં અનેક રાજ્યો છે, અને તેના અનેક રાજાઓ અત્યારસુધીમાં થઈ ગયા છે; પણ તેના એક નાના રાજ્યના એક ઠાકોરે જેવું સ્થાન ગુજરાતના સુશિક્ષિત વર્ગના હૃદયમાં છેલ્લાં ચાલીસ વર્ષથી જમાવ્યું છે તેવું સ્થાન તેના કરતાં વધારે મોટા રાજ્યના સ્વામીઓ પણ મેળવી શક્યા નથી. તેનું નામ છે ઠાકોરશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી.

કાઠિયાવાડનાં રાજ્યો હિંદનાં બીજાં રાજ્યોની સરખામણીમાં ઘણાં નાનાં છે. તેનો ખ્યાલ આ ઉપરથી જ આવી શકશે કે આખા કાઠિયાવાડની વસ્તી વડોદરા રાજ્યના કરતાં ઓછી છે, અને મ્હૈસૂર રાજ્યના કરતાં અરધી છે. કાઠિયાવાડનાં આ નાનાં રાજ્યોમાં પ્રથમ અને બીજા વર્ગનાં રાજ્યોના હાથમાં દીવાની ફોજદારી અધિકાર લગભગ સંપૂર્ણ છે; ત્યારે તેથી ઊતરતા દરજ્જાના રાજાઓના અધિકાર ઓછા છે અને તેમની હકુમતનો પ્રદેશ પણ અત્યંત સંકુચિત હોય છે. આવું એક નાનું રાજ્ય લાઠી છે. તેની હાલની વસ્તી નવહજાર અને ચારસો માણસોની છે અને વાર્ષિક આમદાની એક લાખ અને સિત્તેર હજારની છે;[૧] અને હાલાર પ્રાન્તનું તે ચોથા વર્ગનું રાજ્ય ગણાય છે.


  1. ૧ ‘હૃદય ત્રિપુટી અને બીજાં કાવ્યો’નો પ્રવેશક. (ક. મા. મુનશી)
    પૃ. ૧૨ (ઈ. સ. ૧૯૩૯)