પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુમુક્ષુ રાજવી
[ ૭૫
 

સમાન પણ માનતા ન હતા. પણ રાજ્ય, સત્તા, કીર્તિ અને વૈભવ ખોવાથી તેમને દુઃખ નહિ પણ સુખ થવાનું હતું. આ વિઘ્નો પોતાના માર્ગમાંથી દૂર થવાથી પોતાનો બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવાની સંપૂર્ણ સગવડ મળશે એમ તે માનતા હતા.

રાજ્ય છોડીને પોતે શું કરશે ? એ પ્રશ્નના જવાબમાં સુરસિંહજીએ ગોવર્ધનરામને લખ્યું હતું: 'હું એકાન્તમાં રહી વાંચીશ, લખીશ, પ્રભુનો વિચાર કરીશ, ગરીબોમાં. દર્દીઓમાં, તનનાં અને મનનાં દર્દીઓમાં ભળીશ અને તેઓને બની શકશે તો કાંઈ આરામ આપીશ–નહિ તો તેમાંથી હું તો આરામ લઈશ. નિવૃત્ત થયેલાની શાન્તિથી મળતી શુદ્ધ ભાવનાઓ પ્રભુ મ્હને આપશે તે લઈશ.'[૧]

પત્નીઓમાંથી જેમને સાથે રહેવા વિચાર હોય તેમને સાથે રાખવાનાં હતાં. પણ તેમણે પોતે આપે તેટલાં અને તે જ માણસોને રાખવાં, અને પોતાનાં માણસોને રજા આપવી એવો સુરસિંહજીનો નિશ્ચય હતો. નિવૃત્ત થઇને જ્યાં બહુવૃષ્ટિ ન હોઈ બારે માસ રહી શકાતું હોય તેવા પંચગની અથવા નીલગિરિ જેવા હવા ખાવાના પહાડી સ્થળે વસવાનો વિચાર હતો.

સુરસિંહજી રાજકોટમાં અભ્યાસ કરતા હતા તે સમયે તેમને માસિક તેરસો રૂપિયા મળતા હતા. આટલા વર્ષાસનમાં હજુ યે રહી શકાશે એમ તેમને લાગતું હતું. કારણ એક સામાન્ય ગૃહસ્થના કરતાં વધારે ખર્ચાળ જીવન તે ગાળવા માગતા ન હતા.

પોતાને એક પુત્રી હતાં. તેમનો સંબંધ કોઇ સારા રાજ્યમાં કર્યા પછી જ તે જવાનો વિચાર રાખતા હતા. કુમારોના લગ્નની ચિંતા તેમને ન હતી. કારણ તેમાં ખર્ચ પણ ન હતું અને મુશ્કેલીઓ પણ ન હતી.

રાજકુમારીના વેવિશાળ માટે સુરસિંહજી પ્રયાસ કરી રહ્યા


  1. ૧ 'શ્રી કલાપીની પત્રધારા,
    ગોવર્ધનરામને પત્ર તા. ૨−૪−૧૯૦૦