પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ ]
કલાપી
 

હતા, તેના ઉલ્લેખો પણ તેમના મોરબીના હાલના નામદાર મહારાજા સાહેબ શ્રી લખધીરસિંહજી ઉપરના પત્રોમાંથી મળી આવે છે.

પરંતુ સંસાર છોડવા તત્પર, પણ પ્રેમના બંધનોથી બંધાઈ રહેલા આ મુમુક્ષુ રાજવીને પરમાત્માના દિવ્ય ધામમાંથી અચિંત્યું તેડું આવ્યું, અને ઈ. સ. ૧૯૦૦ના જૂનની દશમી તારીખે[૧] ફક્ત એક રાતની માંદગી ભોગવી તે વિદેહ થયા.

પોતાની પાછળ સુરસિંહજી ત્રણ પત્નીઓ, બે પુત્રો અને એક પુત્રી મૂકતા ગયા હતા. તેમનાં પુત્રી તે રાજકોટના યશસ્વી ઠાકોર સાહેબ લાખાજીરાજનાં રાણી, તેમના પાટવી કુમાર પ્રતાપસિંહજી તેમની પછી લાઠીની ગાદીએ આવ્યા હતા; તે થોડાં વર્ષ રાજ્ય ભોગવી અવસાન પામ્યા. હાલમાં તેમના પુત્ર એટલે કલાપીના પૌત્ર પ્રહ્‌લાદસિંહજી લાઠીની ગાદી ઉપર છે. કલાપીના બીજા પુત્ર જોરાવરસિંહજી સદ્‌ભાગ્યે હજુ વિદ્યમાન છે, અને કલાપીને જોયા ન હોય તે જોરાવરસિંહજીને જોઈ આવે એવી કલાપીને જેમણે જોયા છે એવા કવિશ્રી નાનાલાલની સલાહ છે. કલાપીને જેમ તેઓ આકૃતિમાં મળતા આવે છે તે જ પ્રમાણે તેમનામાં તેમના આ મહાન પિતા પ્રત્યે ઘણી ભક્તિ પણ છે. તેમણે 'કલાપીનો કેકારવ'ની નવી આવૃત્તિ તથા 'શ્રી. કલાપીની પત્રધારા' પ્રકટ કરી પોતાના યશસ્વી પિતાનું ઋણ ફેડવા પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. લાઠીના હાલના ઠાકોર સાહેબ પ્રહ્‌લાદસિંહજી તથા તેમના ભાઇઓ પણ કલાપી પ્રત્યે અસાધારણ માન ધરાવે છે અને સાહિત્ય અને કલાની સેવા કરી તેમના ઉજ્જ્વલ નામને તથા તેમણે ઉજ્જ્વલ કરેલ ગામને દિપાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.


  1. સ્વ. કાન્તે તથા રૂપશંકર ઓઝાએ ૧૦ મી તારીખ કહી છે, પરંતુ ‘શ્રી કલાપીની પત્રધારા’માં પૃ. ૩૯૦ની સામે આનંદરાય હિમ્મતરાય દવેની ઉપર કલાપીએ લખેલ પત્રની છબી આપી છે તેમાં 'અવસાન તા. ૮−૬−૧૯૦૦' એવી નોંધ વંચાય છે.