પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ સાતમું
'કલાપી'નું સ્નેહીમંડળ

ઠાકોરસાહેબ સુરસિંહજીનું અવસાન ૧૯૦૦માં થયું એમ આપણે ગયા પ્રકરણમાં જોયું. સુરસિંહજી અવસાન પામ્યા, પણ 'કલાપી' અમર છે. તેમને આ અમર કીર્તિ અપનાવનાર તેમની સાહિત્યકૃતિઓ અને તેમના સ્નેહીઓ છે. તેમાંથી સ્નેહીઓ વિશે પ્રથમ વિચાર કરીએ.

કલાપી કવિ હતા કે સ્નેહી એ ચર્ચા જરૂર લાગે તો કરવાનો હક્ક અનામત રાખી, અત્યારે એમ કહીશ કે કલાપી સ્નેહી તો હતા જ. તેમનું હૃદય સતત સ્નેહ ને સ્નેહી માટે તલસતું હતું. પોતાની આસપાસની માતા, પત્ની, મિત્રો, ગુરુ, સંતાનો, પશુપંખીઓ, કુદરત એમ સમસ્ત સજીવ નિર્જીવ આલમ પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, કરુણા, ભક્તિ, દયાનાં ઝરણાં સતત તેમના ઉન્નત હૃદયમાંથી વહેતાં હતાં અને તેથી પ્રણયરસનો મહાનદ કેમ જાણે કાઠિયાવાડની સુક્કી ધરતીના મધ્યસ્થળે આવેલ નાનકડા લાઠીમાંથી વહી રહ્યો હોય એવો ચમત્કાર એક દશકા પર્યંત બની ગયો.

કલાપીના સ્નેહીમંડળમાં ગુરુસ્થાને હતા 'અભેદમાર્ગપ્રવાસી', 'બ્રહ્મનિષ્ઠ' મણિલાલ નભુભાઈ દ્વિવેદી. 'ક્યાં લાઠીનિવાસી રાજ્યખટપટની જાળમાં ગુંચાયેલો કીડો સુરસિંહ અને ક્યાં નડિયાદવાસી સરસ્વતીભક્ત'[૧] એવું આશ્ચર્ય કલાપીએ દર્શાવ્યું છે. પણ એમાં


  1. ૧. 'શ્રી કલાપીની પત્રધારા' પૃ. ૪