પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી'નું સ્નેહીમંડળ
[ ૭૯
 

કલાપીના એક પત્રના સંબોધનના આ શબ્દો જ બસ છે : 'મ્હારા વ્હાલા' અને 'મ્હારા દેવ'.

મણિલાલ રાજ્ય, ગૃહ, અને ધર્મ અને સાહિત્યપ્રવૃત્તિ એ સર્વમાં કલાપીને યોગ્ય રીતે દોરનાર મિત્રગુરુ હતા. તેમની સાથે કલાપીને સતત પત્રવ્યવહાર ચાલતે, અને તે વારંવાર લાઠી પણ આવી જતા. કલાપીનાં કાવ્યો મણિલાલના 'સુદર્શન'માં પ્રકટ થતાં, અને છેવટે તે પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું ત્યારે પણ તેની જવાબદારી મણિલાલે સ્વીકારી હતી.

મણિલાલ પણ કલાપીનું માન બરાબર સાચવતા, પરંતુ કલાપીની ભક્તિ એ મર્યાદાઓમાં પુરાઈ રહેવાની ના કહેતી. “હું 'મહેરબાન ઠાકોર સાહેબ' અને આપ 'ગરીબ ઘરબારી' એવાં ઉપમાન 'સ્નેહ' 'પ્રેમ'માં હોઈ જ શકે નહીં. હું અને બધા ઠાકોરો, અને ઠાકોર સાહેબો 'ગોરા' અધિકારીઓને સલામ કરવા જઇએ છીએ – જવું પડે છે – તો આપ જેવા સ્વદેશી દેશહિતેચ્છુને 'દંડવત્ પ્રણામ' કરવા આવીએ તો પણ ઘટિત જ છે. અને હું તો આપ સ્નેહીને 'ભેટવા' આવું એમાં આનંદ-અતિ આનંદ છે.”[૧]

કલાપીએ 'કાશ્મીરનો પ્રવાસ' નામનું પુસ્તક લખેલું. તે સુધારવા માટે તેમણે પ્રથમ ગોવર્ધનરામને વિનંતી કરી હતી. ( ૧૯–૬–૯૩ ). જોડણીની ભૂલો સુધારવાનું કહી આવા મોટા માણસને અતિશ્રમ આપવો અને તેમને કાલક્ષેપ કરાવવો એ અયોગ્ય છે એ કલાપી સમજતા હતા, અને તેથી માત્ર વિચાર અને શૈલિમાં સુધારા કરવાનું કહ્યું હતું. આનું પરિણામ શું આવ્યું તે જાણવાનું બની શક્યું નથી. આવી જ વિનંતી મણિલાલને કરવામાં આવી હતી


  1. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૧
    અહીં મેં ઉપસાવેલ શબ્દ 'સ્વદેશી'ને બદલે મૂળમાં પરદેશી શબ્દ છે, પણ સંબંધ જોતાં એ બંધબેસતો ન લાગવાથી આ પ્રમાણે સુધારો સૂચવ્યો છે.