પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ ]
કલાપી
 

તે પરથી લાગે છે કે ગોવર્ધનરામ આ સંબંધમાં કાંઇ કરી શક્યા નહિ હોય. મણિલાલને આ પુસ્તકના વિચાર અને શૈલિમાં સુધારા કરવા ઉપરાન્ત ઉપોદ્‌ઘાત લખવાની પણ વિનંતી કરવામાં આવી હતી અને મણિલાલે તે સર્વ કાર્ય કર્યું પણ હતું. અને તે બરાબર જ થયું હશે એમ લાગે છે, કારણ 'પુસ્તક સુધારવામાં આપને ખરેખર કંટાળો આવ્યો હશે. તેને માટે ક્ષમા કરશો' એમ કલાપીએ તેનો સ્વીકાર કરતાં લખ્યું છે.[૧]

મણિલાલને એક વખત પૈસાની જરૂર પડી ત્યારે કલાપીએ રૂ. ૧,૮૦૦ મોકલ્યા હતા અને તે પાછા ન વાળવાની આગ્રહભરી વિનંતી કરી હતી. વળી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપવાના કરતાં માગવું કોઈ રીતે હલકું નથી. પોતાને પણ જો કોઇ મિત્ર પાસેથી કાંઈ મદદ સ્વીકારવી પડે તો તે પાછું આપવા ન કહે.

આ પ્રમાણે કલાપીએ મણિલાલ સાથે અસાધારણ એકતા સાધી હતી. તેથી મણિલાલની પાછલાં વર્ષોમાં હમેશા નબળી રહેતી તબિયતની તેમને ઘણી ચિંતા રહેતી. તેમણે મણિલાલને પૂર્ણ નિવૃત્ત થઈ થોડો સમય લાઠી રહેવાનો આગ્રહ કર્યો. પણ એવામાં મણિલાલની તબિયત અત્યંત ખરાબ થયાના અને ભયભરેલી સ્થિતિ હોવાના સમાચાર કલાપીને મળ્યા. તે નડિયાદ જવા તૈયાર થયા, એટલામાં તેમને મણિભાઈના અવસાનના સમાચાર મળ્યા. કલાપીના કોમળ હૃદયને આથી ઘણો આઘાત પહોંચ્યો. આ પરમકૃપાલુ ગુરુની ખોટ જિંદગીપર્યંત પુરાશે નહિ એમ તેમને લાગ્યું. 'મણિભાઇને પ્રસંગે મને જે લાગે છે તેને માટે મારી પાસે કશી ભાષા નથી. કવિતા તો ઓલવાઈ ગઈ છે. હૃદય દુઃખમાં પણ જ્યારે સ્મૃતિનું સુખ લેતું થાય છે ત્યારે જ કવિતા પણ રસ આપી શકે છે. ખેદની સ્થિતિમાં તો કાંઈ જ થઇ શકતું નથી.'[૨]


  1. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૧૩
  2. ૨ લલિતને પત્ર ૧૯–૧૦–૯૮ 'કલાપીના પત્રો'