પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી'નું સ્નેહીમંડળ
[ ૮૫
 

અભ્યાસ કર્યો હતો, પણ આપ મેળે પાછળથી ઘણું જ્ઞાન મેળવ્યું હતું. એકાદ વર્ષ ગોંડળમાં ખેતી અને એન્જીનિયરીંગનો અભ્યાસ તેમણે કર્યો હતો તે પાછળથી તેમને ઘણો ઉપયોગી નીવડ્યો હતો.

શરૂઆતમાં કેટલોક સમય જૂનાગઢમાં નોકરી કર્યા પછી સંચિતે કાઠી રજવાડાંઓમાં પ્રવેશ કર્યો. અહીં કાઠી રાજાઓના નોકર કરતાં મિત્રના જેવી તેમની સ્થિતિ વધારે હતી. હડાળાના કાઠી દરબારશ્રી વાજસુરવાળાનો આશ્રય સંચિતને સૌથી વધારે મળ્યો હતો. અને શ્રી. વાજસુરવાળા કલાપીના ગાઢ મિત્ર હતા તેથી સંચિતને પણ કલાપી સાથે મૈત્રીનો સંબંધ બંધાયો.

કલાપી અને શ્રી. વાજસુરવાળાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન સંચિત્ પણ એક સંગાથી હતા. આ સમયે કલાપીના ગાઢ પરિચયમાં તે આવ્યા.

અમદાવાદ પહોંચ્યા પછી એક સાંઝે હઠીભાઈની વાડીના ઊતારામાં કલાપી 'કાદંબરી' વાંચતા હતા, ત્યાં સંચિત્ જઈ ચઢ્યા, અને થોડી વાતચીતને અંતે બન્નેએ સાથે મળીને જ આ મુશ્કેલ ગ્રંથ વાંચવાનું ઠરાવ્યું. આ સહવાંચનનો સંચિત્ કાશ્મીરનો પ્રવાસ પૂરો થતાં પાછા ફર્યા, અને કલાપી, આર્યાવર્તના પ્રવાસમાં આગળ વધ્યા તેથી અંત આવ્યો, પણ કલાપીએ 'બાઈ કાદંબરીની થોડી સેવા'[૧] એકલા પણ કરવાની ચાલુ રાખી હતી.

કલાપી અને સંચિત્‌નો પ્રવાસ દરમ્યાન બંધાયેલો આ સંબંધ ઉત્કટ મૈત્રીના સ્વરૂપમાં પરિણમ્યો. કલાપીએ સંચિત્‌ને માટે પત્રોમાં જે સંબોધનો યોજ્યાં છે તે જોઇ જવાથી આનો કાંઈક ખ્યાલ આવે છે. પોતાના આ વહાલા રૂપ કે વહાલા બાલુભાઇને પરમ સ્નેહી, પ્રિયમિત્ર, વહાલા જીવન, પ્રેમવત્સલ, પ્રેમકોષ, પ્રેમસાગર, સર્વસ્વહૃદય, પ્રિયપાન્થ, નયનાનન્દક, હૃદયાનન્દક, પ્રીતિરત્નાકર, સર્વસ્નેહરત્નાકર–વગેરે વગેરે નવાં નવાં સંબોધનોથી કલાપીએ સંબોધ્યા છે. તે તેમની


  1. ૧ 'શ્રી. કલાપીની પત્રધારા'