પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ ]
કલાપી
 

'પ્રિય દુનિયા' છે. છેવટે સહી કરવામાં પણ આવો જ ભાવ કલાપીએ વ્યક્ત કર્યો છે. પોતાના આ પરમ મિત્રને પ્રથમ પત્રમાં તેઓ સલામ પાઠવે છે, પણ પછીથી કંઠાલિંગન, સહસ્ત્ર–કંઠાલિંગન અને આશ્લેષ પાઠવે છે. વળી પત્રોમાં જ્યાં સંચિત્ પુષ્પ છે ત્યાં પોતે મધુકર છે. કલાપીએ લખ્યું છે: 'પ્યારીના પત્રોના જેટલા જ ઉલ્લાસથી દુનિયાના પત્રનાં દર્શન થાય છે.'[૧] આને સંચિતે 'અમારા ઈશ્કની મસ્તી' નામ આપ્યું છે તે જ યોગ્ય લાગે છે.

સંચિત્ કલાપીના મિત્ર જ રહેવા ઇચ્છતા હતા, પરંતુ સંયોગવશાત્ તેમણે લાઠીના ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી તરીકે પણ કેટલોક સમય કામ કર્યું હતું.

લાઠી છોડતાં સંચિતે 'વિખુટા થતા મિત્રને' નામનું કાવ્ય લખ્યું હતું તેમાંથી તે સમયની પરિસ્થિતિનું સચોટ આલેખન મળે છે. કાવ્યને અંતે આ સ્નેહી મિત્રે ચિંતાતુર બનીને કહ્યું હતું:

મને આ લાગે છે : વિષમય બધા આ સમૂહમાં
ખરે ! તું સુધા છે : પ્રભુથી ઉગરે મ્હેર ધરીને.
ખરે ! ખારાનીરે મીઠી મીઠી તું ભાત ! વિરડી:
પ્રભુ પોષે, રક્ષે, અનળ સળગ્યો છે સ્થળ સ્થળે ! !
હવે હું જાઉં છું ફીકર મુજ તું કૈ નવ કરે,—
અને આ સંસારે પળપળ તું ચેતી વિચારજે. [૨]

કલાપીના મૃત્યુ પછી સંચિતે કદી પણ રંગીન પાઘડી બાંધી ન હતી. ૧૧ વર્ષ પછી પોતાના આ મિત્રને સંભારતાં સંચિતે લખ્યું હતું:

છપ્પનીયો દુષ્કાળ આવ્યો, વીત્યો સર્વને,
અમને પૂરી ઝાળ, આપી ચાલ્યો સુરસિંહ !

સંચિતે પણ, મણિશંકરની માફક કલાપીનું સાહિત્ય પ્રકટ


  1. ૧. કૌમુદી, પૌષ ૧૯૮૧
  2. ૨. શ્રી સંચિત્‌નાં કાવ્યો