પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'કલાપી'નું સ્નેહીમંડળ
[ ૮૯
 

પછી તેમને સાહિત્ય તરફ વૈરાગ્ય આવ્યો અને તેમણે વૈદ્ય તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. ટૂંકા જીવનમાં કલાપીએ આ પ્રમાણે અનેક રસિક હૃદયોને પ્રેમનાં અમૃત–ઝેર પાયાં હતાં. કલાપીએ લખ્યું છેઃ

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિંદુભર્યાં વિધિએ નથી ?
અમ એ જ જીવન, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.

પ્રભુલાલ શાસ્ત્રી, મસ્તકવિ, સંચિત્, વાજસુરવાળા, કાન્ત, રમા, શોભના–કેટકેટલા સ્નેહીઓને કલાપીએ અલ્પ આયુષમાં 'રસઘડા' પાયા. તેમના સ્નેહીમંડળના ઉરઉરમાંથી ઊઠતા આર્તનાદનો જાણે પડઘો હોય તેમ કલાપીએ પોતે જ ફરિયાદ કરી છે :

આયુ સ્વલ્પ દઈ કર્યાં મનુજને પ્રેમી ઇશે કાં ભલાં ?
શું પીવાય મુહૂર્તમાં રસઘડા વ્હાલાં ઉરે જે વસ્યા ?

આ મંડળમાંના, કલાપીના પરમમિત્ર દરબારશ્રી વાજસુરવાળા સદ્‌ભાગ્યે આપણી વચ્ચે અત્યારે વિદ્યમાન છે. બગસરા ભાગદાર દરબારશ્રી વાજસુરવાળા આર્યાવર્તના પ્રવાસમાં કલાપીના સંગાથી હતા. સાહિત્ય, કલા અને ધર્મની અખંડ ઉપાસના પોતાના નાનકડા ગામમાં અર્ધી સદી પર્યંત કરીને દરબારશ્રીએ હડાળાને હિંદજાણીતું કીધું છે. વિદુષી એનીબેસંટ, શ્રીમાન બ્રુક્સ અને પ્રોફેસર ઊનવાળા જેવા અનેક શારદાભક્તો હડાળાની મુલાકાતે આવતા ચર્ચા, ભજનકીર્તન, વાર્તાકથાનો કાર્યક્રમ તો અખંડ ચાલ્યા જ કરતો. દરબારશ્રી થિયોસૉફિસ્ટ છે, અને તેમના થિયોસૉફિના અભ્યાસના ગ્રીષ્મ વર્ગોનો લાભ થિયોસોફિસ્ટ અને ઇતર અનેક સંસ્કારપ્રેમીઓએ લીધો છે.

દરબારશ્રી વાજસુરવાળા કાવ્યો પણ લખતા અને તેમનાં કાવ્યોને વારંવાર કલાપીએ પોતાના કાવ્યોના કરતાં વધારે સારાં કહ્યાં છે. આ મિત્રોની મૈત્રીના સ્થૂલ સ્મરણચિહ્નરૂપે, કલાપીએ ખાસ હડાળે આવી સ્થાપન કરાવેલ 'વ્રજસુરેશ્વર'નું શિવાલય મોજુદ છે.