પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ આઠમું
કલાપીની કેકા


૧૮૯ર ના ઑક્ટોબરની ૧૫મી તારીખે 'ફકીરી હાલ' નામની ગઝલ કલાપીએ લખી, જે તે જ વર્ષના 'સુદર્શન'ના નવેમ્બરના અંકમાં છપાઈ છે. ગુજરાતના રંક સાહિત્યોદ્યાનમાં સુરતાની વાડીના મીઠા મોરલાની આ કેકા આઠ વર્ષ સુધી ધીરી ધીરી સંભળાતી હતી અને મોટે ભાગે મિત્રોનું જ ધ્યાન ખેંચતી હતી, તે તેમના સ્વર્ગારોહણ પછી તો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી વળી છે.

પણું આ ગઝલ કલાપીનો પ્રથમ લેખ ન હતો. તેમનો પ્રથમ લેખ તો ૧૮૯૨ના જૂન માસની બાવીસમી તારીખે લખેલો 'કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' નામે પત્રના રૂપમાં લખાયેલ પ્રવાસવર્ણન છે.

શ્રી જગન્નાથપુરીથી આ પત્ર કલાપીએ પ્રિય માસ્તર સાહેબ જોશીજીને લખ્યો હતો. શ્રી. એન. બી. જોશીને પોતાના રાજવી શિષ્યનું આ લખાણ એટલું બધું ગમી ગયું કે તેમણે તે તુરત જ છપાવી દીધું. કલાપીએ પછી મણિલાલ નભુભાઈની મદદથી તેમાં સુધારા વધારા કર્યાં હતા.

નવા ગદ્યલેખકમાં સ્વાભાવિક રીતે જોવામાં આવે છે તેવો લલિત ભાષાનો મોહ આ પુસ્તકમાં કેટલીક જગ્યાએ દેખાય છે; વર્ણનના કેટલાક ભાગે 'કાદમ્બરી'ની શૈલિના અનુકરણરૂપે લખાયા હોય એવા લાગે છે; છતાં એકંદરે આ પુસ્તક સરળ, સહૃદય અને