પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૯૩
 


ઉત્તરરામચરિત, મણિલાલ અને મનઃસુખરામના સર્વ ગ્રન્થો, નરસિંહ, મીરા, પ્રેમાનંદ, સામળ વગેરે પ્રાચીન, અને નર્મદ, દલપત કાન્ત વગેરે અર્વાચીન કવિઓનાં કાવ્ય, રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના સાર અને ભાષાન્તર એમ ગુજરાતી ભાષામાં લખાયેલ જે કાંઇ મળી શક્યું તે સર્વે તેમણે વાંચવા માંડ્યું.[૧] ગોવર્ધનરામ જેવા 'સાક્ષરશિરોમણિ'ને તેમણે લખ્યું હતું: 'ગુર્જર ભાષાનાં સારાં પુસ્તકોમાં એવું ભાગ્યે જ નીકળશે, કે જેનું મેં મનન ન કર્યું હોય.' [૨]

તે સમયમાં પ્રસિદ્ધ થતાં 'સુદર્શન' 'ચંદ્ર', 'ભારત ભૂષણ' વગેરે માસિકો તે ધ્યાનપૂર્વક જોઈ જતા.

અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ ૧૮૯રમાં શરૂ કર્યો હતો, તે આઠ વર્ષમાં ઘણો વધી ગયો. શેક્સપિયર, મિલ્ટન, બાયરન ટૉમસમૂર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્યુ આર્નોલ્ડ વગેરે અંગ્રેજી કવિઓ અને ડેન્ટે તથા ગેટેની કૃતિઓના અંગ્રેજી ભાષાન્તરો તે વાંચી ગયા. વળી પ્લેટો, મૅક્સનૉર્ડો, શૉપનહૉર, એમર્સન, મિલ, સ્વીડનબર્ગ વગેરે તત્વચિંતકોનો અભ્યાસ પણ તેમણે કર્યો.

આ સર્વ અભ્યાસને પરિણામે તેમના સાહિત્યસર્જનમાં દૃષ્ટિની વિશાલતા અને ચિંતનની તલસ્પર્શિતા આવ્યાં.

કલાપીની સાહિત્યકીર્તિ મુખ્યત્વે તેમનાં કાવ્યો ઉપર અવલંબે છે.

અર્વાચીન ગુજરાતી કવિઓમાં સૌથી વધારે લોકપ્રિય કવિ કલાપી છે. યુવક યુવતિઓના તો તે વર્ષોથી માનીતા કવિ છે. 'કલાપીનો કેકારવ' કાન્તે ૧૯૦૩માં, કલાપીના મૃત્યુ પછી ત્રણ વર્ષે ભાવનગર દરબારી છાપખાનામાં છપાવીને પ્રકટ કર્યું. ત્યારપછી થોડાં થોડાં વર્ષને અંતે તેની નવી આવૃત્તિ નીકળ્યા કરી છે. આવું


  1. ૧. 'કલાપીનું સાક્ષર જીવન,' રૂપશંકર ઓઝા.
  2. ૨. શ્રી. 'કલાપીની પત્રધારા'