પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં બારી એક ઉઘડે ગૃહની જરાક,
ડોકાય છે સ્મિતભર્યું મુખડું રમાનું;
જોયું! મનાય નહિ! ગાભરી શી બની એ!
જોયું ફરી! હૃદય તૂટી પડ્યું ખડીને!

'રે રે પ્રભુ!' લવી ઢળી ધરણી પરે તે,
ને મગ્ન પ્રેમી ચમકી ઉખડી પડ્યાં બે;
પ્હોંચી જતાં સમય તે પડદો ચીરાયો,
ભોળાં! અરે! થઇ ગયું સહુ ધૂળધાણી!

રે રે! જીવે ગયો ઉડી શોભના ને યુવાનનો,
'થયું શું આ!' ગયાં દોડી લવી બન્ને રમા કને.

બોલી ન કૈં પણ રમા ગઇ ચાલી તુર્ત,
જોઇ રહ્યો સુરખ મ્હોં નયનો યુવાન;
એ બે જ ત્યાં ફરી રહ્યાં ધ્રૂજતાં અકેલાં,
એ ચાર ત્યાં ફરી મળ્યાં નયનો ઝરન્તાં.

હૈયાં તણાં નયન એ ઉઘડી ગયાં, ને
બ્રહ્માંડકમ્પ સરખું કંઇ નેત્ર દેખે!
રે! શું થયું? ક્યમ થયું? ક્યમ ખૂન કીધું?
તે સૌ રહ્યું તરી જ સ્વપ્ન શું નેત્ર પાસે!

છેલ્લી સલામ કરી નેત્ર પડ્યાં વિખૂટાં!
યાચી ક્ષમા ગળગળાં વિખૂટાં થયાં એ!
રે રે! ખૂની! ખૂનની લિજ્જત કેવી લાગી?
રે! આપઘાત તણી લિજ્જત કેવી લાગી?

                  * * *
ન ધાર્યું સ્વપ્નમાં એ તે બન્યું બાપુ રમા અરે!
ઝીલશે ભાર હૈયું શે? રે રે આભ તૂટી પડ્યો!

નિચોવાયું હૈયું! રડી રડી ગઇ ખાટ પલળી!
વળી હેલા આવે! રડી રડી વળી એ ગળી જતી;
ખૂટ્યાં અશ્રુ ત્હોયે રુદન નવ ખૂટ્યું હૃદયનું,
મુખે છૂટો રસ્તો પછી હૃદયને એ દઈ દીધો.

'પિયુ! હું તો પાપી જરૂર અપરાધી તુજ બનું!
'નકી એ દીઠેલું! પણ અરર! માની ક્યમ શકું?

કલાપીનો કેકારવ/૧૭૩