પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કદર તું પ્રેમીની કર તો હું ત્હારો છું : તું મ્હારું થા!

તપું છું હું : બળું છું હું ! મરું છું હું, અરે પ્યારા!
તું મકરંદ છાંટી લે : હું ત્હારો છું : તું મ્હારું થા!

આ તો સ્વપ્ન ટૂંકું છે : હું ગુંજી લઉં: તું ખીલી લે!
થશે પલમાં અરે! હા ! શું? હું ત્હારો છું : તું મ્હારું થા!

સુકોમલ તું ખરી જાશે : ભ્રમર ત્હારો મરી જાશે:
આખિરની ગતિ એ છે: હું ત્હારો છું: તું મ્હારું થા!
૨-૧૧-’૯૨


હૃદયક્મલની જૂઠી આશા

રે ભોળી! જલઝૂલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી–
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

એ પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગૃહી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી:
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું:
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!
૪-૧૧-’૯૨


ભોળાં પ્રેમી

કમળ ભોળું, કુમુદ ભોળું, ભ્રમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

ભ્રમર ગુંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તેઓ તણાં નભમાં, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશીને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

કમલ, ભમરા, કુમુદ જેવું હૃદય મ્હારૂં ખરે ભોળું,
કૂદે, બાઝે, પડે પાછું, ‘પ્રેમી પહાડ પાણો છે!’

ઇચ્છે દાસ થાવાને, ન કોઈ રાખતું તેને,

૬૬/કલાપીનો કેકારવ