પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરે! આવાં કૈંનો લય થઈ જઈ ઉદ્ભવ થશે,
અને ત્હોયે એ સૌ તુજ ઉદરની મધ્ય જ હશે!
અહીં, ત્યાં ત્યાં દૂરે, તુજ ઉદરનું મધ્ય જ બધું!
નહીં છેડો તેનું નવ ક્યું હશે સ્થાન વચલું?

ભરેલું શું ત્હારૂં ઉદર સઘળું પૂરણ હશે?
અરે! વચ્ચે સૌ તો અગણિત સ્થળો ખાલી જ હશે;
બધાં આ બ્રહ્માંડો અણુવત નકી તું ઉદરમાં,
અને ન્હાના લીટા જરૂર અજવાળાં રવિ તણાં.

પછી તો અન્ધારૂં તુજ ઉદર શું ફેલી જ રહ્યું!
વસે છે તું જેમાં! તુજ ઉદરમાં જે વસી રહ્યું!
જરા તે રેલે, તો પ્રલય સઘળાનો થઈ જતો,
જરા સંકોચાતાં ઉદભવ થતો આ જગતનો.

તમે બન્ને એવાં પણ અમ કને એવું જ કંઈ!
અમારૂં હૈયું એ તમ ઉદર શું છે નકી નકી!
તમારી પાસે કૈં અમ હ્રદયનું માપ ન મળે!
તમોને ના માપે જનહ્રદય તે માપી ન શકે!

૧૮-૪-૧૮૯૬

કૃતઘ્નતા

ભલે ફૂંકો ફૂંકો પવન તમ જ્વાલા સળગતી!
ભલે વંટોળાની ગગનપડમાં ધૂળ ઉડતી!
સુસાટામાં છોને ગિરિશિખર મ્હોટાં ઢળી પડે!
ભલે સૂર્યે ઢાંકી રજ સહુ દિશા મેલી જ કરે!

ભલે વ્હેતાં વ્હાણે શઢ સહુ ચીરાઈ તૂટી પડે!
પ્રંચંડોર્મિ છોને જલધિજલના ઉછળી રહે!
ભલે હોડી ડૂબી ગરક દરિયામાં થઈ જતી!
ભલે જાતી આખી જન સહ રસાતાલ પૃથિવી!

હવે તો હું વૈરી જગત સઘળાનો થઈ રહ્યો!
અહો! જેને માટે મમ હ્રદય બાળી દુઃખી થયો!
કૃતઘ્ની લોકોને કદર નવ કાંઈ હ્રદયની!
ન જોવાની ઇચ્છા! કદર કરવા સાધન નહીં!

કલાપીનો કેકારવ/૧૮૩