પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તુફાની સત્ત્વો આ કુદરત તણામાં મળી રહું!
બને તો વંટોળો થઈ જગત આ ઉજડ કરૂં!
ગડેડાટો મ્હોટા - કડક કડડાટો વીજળીના -
મને વ્હાલાં વ્હાલાં પ્રલયઘમસાણો પવનનાં!

દયાના, પ્રીતિના, મૃદુ હ્રદયને માર્દવ તણા
તમે લોકો વૈરી - મમ હ્રદય લે વૈર ક્યમ ના?
હસો રોતાં દેખી! હસીશ તમને આજ ચગદી!
અહો! રોનારાં આ મમ નયનમાં જ્વાળ સળગી!

દયા રોનારાંની ઉપર નવ મ્હારા હ્રદયને!
ત્હમારૂં રોવું એ કપટમય ને ક્રૂર જ દિસે!
ત્હમારાં લોહીમાં મમ હ્રદય આ સ્નાન કરશે,
અને ત્હોયે સૌ એ ઘટિત જ થયું એમ ગણશે!

અહાહા! આ મીઠી કુદરત તણી કેવી મૃદુતા!
અરે! તેમાં ક્યાંથી હ્રદય તમ શીખ્યાંય જડતા?
ત્હમારે માટે કો હ્રદય ભગવું જે કરી રહે,
અરે! તેને ચીરો! તમ હ્રદય તો ચીરીશ હવે!

સખે! તેં એ શું આ જિગર ચીરવા ખંજર લીધું?
હતું ખુલ્લું ત્હોયે હ્રદય મમ તેં એ નવ દીઠું?
કહું શું લોકોને! અરર! સઘળાં પામર નકી!
વૃથા ઢોળું ત્યાં હું મમ હ્રદયનો ક્રોધ જ નકી!

તને તો ના ઓહો! મુજ જિગર કૈંએ કહી શકે!
મૂક્યું ખોળે માથું પછી કતલનો શો ડર રહે?
દગો ત્યાં એ ત્યાં એ! પછી જગતને શું કહી શકું?
વિના બોલ્યે કાંઈ પણ નવ હું મૂંગો મરી શકું!

ભલે ફૂંકે ફૂંકે અનિલ અથડાયા વગર સૌ!
ગિરિ તો આ રૂનો થઈ જઈ હવે પોલ ઉડતો!
ઘણા વ્હોની સામે અડગ રહીને ટક્કર લીધી -
હવે તે ખેંચાતો તૃણવત થઈ તાણની મહીં!

જવા સામે પૂરે સરપ સરખો યત્ન કરશે -
હજુ એ ખેંચાતો પણ નવ ખુશીથી કદિ જશે!

કલાપીનો કેકારવ/૧૮૪