પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો એ જ માર્ગ તુજ જિંદગીનો ગ્રહે તું,
કેડી મૂકી ભટકવા તું યથેચ્છ ઇચ્છે;
જ્યાં જે જડે ડૂબી જવું જ તહીં તું ધારે,
તો સાવધાની બહુ રાખવી, ભાઈ! ત્હારે.

છૂટું મૂકેલ દિલ જો કબજે રહે ના,
તો પક્ષી પિંજર બહાર ન કાઢજે તું;
એ પંખીડું અજબ છે બહુ રંગધારી,
ને પાંખ તીવ્ર બહુ છે નભમાં વિહારી.

કૈં મેઘમાલ તરવા ગિરિપાર ઊડે,
ને સિન્ધુ-ઊર્મિ મહીં ડૂબકી તે ડૂબીને;
ક્યાં એ પડે નીડર પારધિજાલ માંહી,
ને તોડી એ ઊડી જતું વળી ક્યાંહીં ક્યાંહીં!

દેખ્યું સદા પણ નવીન જ દેખશે તું !
આ દૃષ્ટિ બાલ તણી વૃદ્ધ થતાં ન જાશે !
સૌંદર્ય નગ્ન થઈ સૌ તુજ પાસ ર્ હેશે,
સૌંદર્ય સર્વ સ્થલમાં તુજ નેત્ર જોશે.

તુંને અરે, હ્રદય આવું જ છે મળેલું,
તો રાખજે દૃઢ લગામ સદા કરે તું;
છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી,
ને એકલો કવિ રહીશ તું એક બાજુ!

છે મિત્ર તું જગત સર્વ તણો થવાનો,
ના લાગવા જગતનો પણ પાસ દેવો!
આ ખેંચશે રીબવશે રિપુ માની તુંને,
ત્હોયે નિભાવ તુજ મૈત્રી સદા સુપ્રેમે!

આ ક્ષારસિંધુ મહીં શોધક મોતીનો તું!
દોરી વિના ઉદધિને તળિયે જવાનું!
ત્યાં મચ્છ સિંધુ મહીં વ્હાણ ગળી જનારા!
તોફાન ગિરિમૂલને ય ઉખેડનારાં!

તે રાક્ષસોની ઉપરે પ્રીત રાખવાની!
તે રાક્ષસોની સહ સાચવ દૈવી અંશ;

કલાપીનો કેકારવ/૧૮૬