પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બિચારૂં આ દિલ કહે છે, ‘પ્રેમી પહાડ પાણો છે!’

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડુ-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: ‘હા! પ્રેમી પહાડ પાણો છે!’

૯-૧૧-’૧૮૯૨

પરિતાપ

દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:
દપટ્યું દિલમાં દિલનું દુખડું:
ન સખો ન સખી દિલથી લપટ્યું:
ફટક્યો ભટકું! ફટક્યો ભટકું!
નથી ભાન હવે!
નથી હામ હવે!
નવ પ્રીતિની દોરીથી હું લટકું:
નવ કો’ મનમાં કદી હું ખટકું:
નથી આશ મને : અવકાશ મને:
ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!
મન હર્ષ હવે –
મન શોક હવે –
તજ નિર્લજ! તું : તજ તું : તજ તું
મુજ પ્રેમ હવે દરિયે પટકું!
મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!
ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!
૨૭-૧૧-’૯૨


તારામૈત્રક–મુગ્ધ પ્રેમ

સંધાડી પ્રેમદોરી મેં, મચાવી મિષ્ટી ગોષ્ઠી મેં,
પ્હેરાવી પ્રેમમાલા મેં, જગાવી પ્રેમજ્યોતિ મેં!

કલાપીનો કેકારવ/૬૭