પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું ક્યારની બરફના જલથી સિંચાશે
આ મ્હેકની મધુરતા બમણી કરીને,
વેણી મહીં લટકશે તુજ પાંખડી એ
હા! પારદર્શક સુ-સુન્દરીકંઠ પાસે.

રોમાંચમાં અગર તું મકરન્દ છાંટી
કર્ણે રહીશ પ્રતિબિમ્બિત ગાલમાં થૈ;
નિદ્રસ્થ મ્હેકથી કરી પિયુપ્રેયસીને,
ત્યાં શ્વાસથી પિયુ તણા કરમાઈ જાશે.

અહીં તો કૈ લાંબું તુજ જીવિત છે જો રહી શકે,
અરે કિન્તુ ત્હારી સુરભ અનિલોમાં ઉડી જશે;
કને માળી આવે ત્યમ ત્યમ અહો! તું હસી રહે!
તને વ્હાલું ના ના જીવિત પણ પ્રીતિ નકી હશે.

તને લાગે મીઠું જરૂર મરીને સાર્થક થવું,
નકી ત્હારૂં હૈયું રસ અનુભવી શોધી જ રહ્યું;
તને મૃત્યુ એ છે મધુર કંઈ સત્કાર મળતાં,
તને ભાવે મૃત્યુ પ્રિયતમપ્રિયાની રમતમાં!

પ્રભુ આવી હોંશો જરૂર તુજ પૂરી જ કરશે,
વૃથા કાંઈ કોની નવ પ્રબલ ઇચ્છા કદિ બને;
અરે પ્યારી! તુંને મમ પ્રિયતમાને દઈશ હું,
નહીં સૂંઘી તારી સુરભ મધુરીને લઈશ હું.

૧-૫-૯૬

પ્રિયા કવિતાને


મને વ્હાલી લાગી, પ્રથમ મળતાં હું તુજ થયો,
હસ્યું તારૂં મ્હોં ને તુજ સ્મિત મહીં હું મળી રહ્યો.
તને ભેટું એવી મમ હ્રદય ઈચ્છા કરી રહ્યું,
વળી ત્હારાં નેત્રો અનુકૂળ દીઠાં ને ચળી ગયું.

અરે! તું તો દેવી, જન ગરીબ હું પામર નકી,
શકું જોઈ એ હું ક્યમ હ્રદયની તે તુજ દ્યુતિ?
ઢળ્યાં મ્હારાં નેત્રો વળી પ્રિય! તું એ દૂર જ ઊભી,
પડ્યું આ હૈયું તો પણ લપટી ત્હારા પદ મહીં.

કલાપીનો કેકારવ/૨૧૧