પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુષ્ટુપ
કહે બાવો, 'અરે! કાંઈ વાત તો દુઃખની હશે!
'જડે ના માર્ગ કાંઈ તો કોઈને પૂછવું ઘટે.'

મંદાક્રાંતા
'શું બોલું હું? નથી કાંઈ રહ્યો સાર એ વાત માંહીં,
'હું જીવું તો મુજ પ્રિય મરે એ જ છે વાત મ્હારી !
'શાને રોકો? વખત વહતો ! ઠેરશે ના જનારૂં !
'શું બોલું રે? કહીશ કદિ ના પાપ વ્હાલા તણું હું.'

અનુષ્ટુપ
'પાપીને પાપ કીધાથી પાપમાં વધુ નાખ તું,
'કહે સાચું, અરે બાઈ! મરવા તો નહીં દ‌ઉં.'

શાર્દૂલવિક્રીડિત
'હું તો છું વિધવા અને કુલ વળી છે નીચ મ્હારૂં પિતા!
'રે રે! એક વણિક જોઈ મુજને કૈં મોહ માંહી પડ્યો!
'સાથે કૈંક દિનો ગયા, જગત કૈં તે જાણતું ના હતું,
'કિન્તુ પાપ તણો ભરાઈ ફુટતો, બાપુ! ઘડો આખરે.

અનુષ્ટુપ
'ગર્ભવતી થતાં હું તે પડોશી સમજી ગયાં,
'ન્યાયને બારણે તેથી મ્હારે તો ચડવું પડ્યું.

વસંતતિલકા
'કાલે થશે જરૂર રે! ઇનસાફ તેનો,
'ને નામ એ વણિકનું ક્યમ દેઉ હું તો?
'એ બોલતાં જરૂર એ નવ જીવ રાખે,
'એનું થતું મરણ એ ક્યમ જોઉં આંખે?

અનુષ્ટુપ
'ગર્ભનું બાલ આ ને હું તેથી, બાપુ ! મરી જશું;
'જીવવાને કહેશો ના! શું છે ના મરવું ભલું?'

શાર્દૂલવિક્રીડિત
વિચારી મૂળદાસ આમ વદતો ધીમે દયાથી ગળી,
'ના, ના, બાઈ! મરીશ ના, જીવિતનો છે માર્ગ ખુલ્લો અહીં;
'જે દીવો ન ઓલવાય કદિ તે ફૂંકે ન બુઝાવવો,
'લેજે તું મુજ નામ ને થઈશ હું સુખે પિતા બાલનો."

અનુષ્ટુપ
'અરેરે! કેમ એ થાશે? ત્હમારૂં નામ શે લ‌ઉં?
'કેમ હું કૂડનો ડાઘો ત્હમારી કીર્તિને દ‌ઉં?'

શાર્દૂલવિક્રીડિત
'કીર્તિને સુખ માનનાર સુખથી કીર્તિ ભલે મેળવો,
'કીર્તિમાં મુજને ન કાંઈ સુખ છે, ના લોભ કીર્તિ તણો;
'પોલું છે જગ ને નકી જગતની પોલી જ કીર્તિ દિસે,
'પોલું આ જગ શું થતાં જગતની કીર્તિ સહેજે મળે.

કલાપીનો કેકારવ/૨૨૨