પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આ હૈયું, આ શરીર પ્રભુએ આંસુડાંનું ઘડ્યું છે!
દેવિ! તેને તુજ હૃદયનું પાત્ર કેવું મળ્યું છે!
વ્હાલી! વ્હાલું તુજ જિગરને આંસુડું આ થયું છે!
ભક્તિ, પ્રીતિ, હૃદયરસ ને ઐક્ય જેમાં ભર્યું છે.

૩૦-૫-૧૮૯૬

નિ:શ્વાસને

હૈયે કેવું દુઃખ સુખ ભર્યું ફૂંકવા આવતો તું!
ખેંચી કાઢી દિલથી સઘળો ભાર લેઈ જતો શું?
તું આવ્યો ને કુદરત ઘડી હાસ્ય મીઠું કરે છે!
શોધું છું તે તુજ સહ મને લાધતું હોય જાણે!

૩૦-૫-૧૮૯૬


વ્હાલીનું રુદન

આ શું! વ્હાલી! તુજ મુખ બધું આંસુંથી ભીંજવે કાં?
હું વિચારૂં સહજ કંઈ છું, દર્દ તો કૈં જ છે મા;
આ સંસારે કંઈ ફિકર છે કાંઈ તેને વિચારૂં,
રે રે! તેથી રુદન કરવું આમ, વ્હાલી ઘટે શું?

૩૦-૫-૧૮૯૬


એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

કલાપીનો કેકારવ/૨૨૭