પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે!

હા! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે,
ઓહો! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે!
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે!

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે!
હું પસ્તાયો, પ્રભુ પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હૃદયની પૂર્ણ માફી મળી છે.

૭-૬-૧૮૯૬

મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટીથી ખેસવતાં

લાલાં! જોયું તુજ મુખ બહુ આજ વ્હાલી છબીમાં;
વર્ષો વીત્યાં, છબી પણ હવે છેક ભુંસાઈ, લાલાં!
ત્હારા મ્હોંની તુજ છબી હવે વાત કાંઈ કહે ના,
એ તો લાગે મુજ નયનને અન્યનું ચિત્ર, લાલાં!

બાપુ! ત્હારી મરણતિથિથી આજ યાદી થતાંમાં
હૈયે જાગે સ્ફુટ છબી અને આંખમાં આંસુ આવ્યાં;
છેલ્લે ચુમ્બી તુજ પ્રતિકૃતિ દૂર, લાલાં! કરૂં છું,
ભૂલી જાવું દુઃખ ઉચિત છે કાળથી જે ભુલાયું.

ના લેણું તો ઘટિત નહિ તે વ્યર્થ શી ઉઘરાણી?
લાલાં! શાને દુઃખની કરવી વ્યર્થ વીતેલ ક્‌હાણી?
લાલાં! અર્પી પ્રભુપદ કને પુષ્પની જે કલી મેં
તેને માટે મુજ નયનમાં આંસુડું હોય શાને?

રોયો છું હું - જિગર નબળું યોગ્યતા બ્હાર રોયું,
તું જાણે તો દુઃખ પણ તને થાય એવું રડ્યો છું;
એ રોવું, એ સ્મરણ કરવું યોગ્ય સંસારમાં ના,
રોવાથી કૈં વધુ જરૂરનાં કાર્ય છે સાધવાનાં.

કલાપીનો કેકારવ/૨૩૦