પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જરા મીંચાયેલાં નયન મૃગનાં સુન્દર દિસે,
અને તેના ભાવો ઋષિ તરફ કેવા મૃદુ દિસે!
ઋષિનું હૈયું આ નિરખી શકતું'તું રસિકતા,
થતું જોઈ ઘેલું કુદરત તણી આ મધુરતા.

પંપાળ્યું, પાણી પાયું, ને આશ્રમે ઊંચકી ગયો;
તૃણાદિ ત્યાં દઈ તેને કૂદતું ઋષિએ કર્યું.

રમે છે, કૂદે છે, ઋષિચરણ ચાટે જીભ વડે,
અને એ યોગીની મૃગ પર અમીની નજર છે;
ઉગી તેને શિરે ચળકતી રૂપાળી શીંગડીઓ,
ઋષિની પીઠે એ કરતી ચળ ન્હાની કુમળીઓ.

ઋષિની છાયા શું ફરતું દિનરાત્રિ ઋષિ કને;
પિતા માતા બન્ધુ સહુ મૃગ ઋષિને સમજતું;
ઋષિ તેને દેતો કુમળું તૃણ ને પર્ણ કુમળાં
અને બાંધે માલા કુસુમકલીની ડોક ઉપરે.

સ્નાનાદિ ક્રિયા કરીને ઋષિ એ
આશિષ દેતો મૃગબાલને, ને
'તું જીવતું ર્ હે' વદતો દયાલુ
ચુમ્બી લઈને હસતો દયાલુ.

આભાર ભૂલી મૃગ ના ગયું'તું,
જોતાં ઋષિને દિલ રીઝતું'તું,
કૈં ગેલથી તે ઋષિને હસાવે,
ને એ મહાત્મા દિલને હલાવે.

દૂરે જાતાં મૃગ વન મહીં યોગી બેચેન થાતો,
ખોવાતું તો શ્રમ લઈ વને શોધવા દૂર જાતો;
પીઠે તેને ઊંચકી વળતો આશ્રમે હર્ષભેર,
સુખી તેને નિરખી વધતાં નેત્ર આનન્દરેલ.

અહોહો! અલ્પ જીવોના પ્રેમમાં બલ છે બહુ,
ખેંચાતા પ્રેમથી તે સૌ ખેંચી પ્રેમ વતી શકે.

યોગી ચાલ્યો જપ તપ ભૂલી પ્રેમખેંચાણ માંહીં,
ચાલ્યો ને તે અટકી ન શકે આટલે દૂર આવી;

કલાપીનો કેકારવ/૨૩૭