પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'બ્રહ્માંડ આખું નિજ માનનાર જે
'બને ન વ્યક્તિ કદિ પાળનાર તે;
'ન ન્યૂન કોઈ નવ કો વિશેષ વા,
'ન દૃષ્ટિએ ઊર્મિ ચડે પડે ન વા.

'ન ઓટ તેને ભરતી નહીં હશે,
'તળાવ જેવો ઉદધિ રહે ભલે;
'દયા ભલે કૈં ઉપયોગની થતી,
'દયાથી આસક્ત થવું ઘટે નહીં.

'બચાવ્યું મેં ભલે તેને, હવે છો કૂદતું ફરે;
'પડે જો સિંહપંઝે તો નિર્માયું તે ભલે બને.

'ચાલે સૌ પર જેમ ચક્ર ફરતું નિર્માણનું સૃષ્ટિએ,
'તેવું તે મૃગ ઉપરે સુખથી છો એ ચક્ર ચાલે હવે;

'રોકાશે મુજથી નહીં, ક્યમ પછી ચિન્તા નકામી ધરૂં?
'જે મ્હારૂં, જગનું અને સહુ તણું તે છો બને તે તણું.

'ફર સુખથી હવે તું શોધીને કોઈ ટોળું,
'ફરી કદિ પણ મ્હારા આશ્રમે આવવું ના;
'જપતપ કરનારો પાળશે આ તને ના,
'અરર! પણ સુખે તું છોડશે કેમ સ્નેહ?

ઋષિ! ત્હારી સ્થિતિ જોઈ આવે છે મુજને દયા;
આવશે વ્હાલથી તેને પંપાળીશ હવે ન શું?

નેત્રો રમે આ તુજ વાદળીથી,
ક્રીડા ગમે છે કંઈ માછલીની,
સન્ધ્યા સમે કૈં વધુ હર્ષ આવે,
તો કેમ ત્હારૂં મૃગલું ત્યજે છે?

રમાડ તેને પણ લુબ્ધ ના થજે,
ઋષિ! ન એ શું તુજથી બની શકે?
દયા વધુ છો ઉપયોગની થતી,
દયા બતાવે હજુ ઉચ્ચ માર્ગ કૈં.

પડે જો સિંહપંઝે તો નિર્માયું તે ભલે બને;
રડજે તું નહીં ત્યારે, કિન્તુ હાલ રમાડજે.

કલાપીનો કેકારવ/૨૩૯