પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને સિંહાસનથી અનેક લટકી ગોળા રહ્યા ઝૂલતા,
તે પ્રત્યેક મહીં સુરંગ રચના બારીક છે કોતરી.
             * * *
બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે,
આધાર સહુને સહુનો રહ્યો જ્યાં;
લે છે સહુ કૈં સહુને દઈ કૈં,
આભાર સૌનો સહુ ઉપરે છે.

ના રાખતું કો ઋણનો હિસાબ
આભાર માની નવ કો રડે ત્યાં;
આનન્દમાં સૌ દઈને રહે છે,
આનન્દમાં સૌ લઈને રહે છે.

ગોળા ફરે એક જ તત્ત્વના સૌ,
ખેંચાઈ એ એક જ તત્ત્વનાથી;
અર્પે ગ્રહે છે સહુ એ જ તત્ત્વ;
જે સર્વનું તે સહુને મળે છે.

આ વાદળીમાં વીજળી રમે છે,
આ સિન્ધુમાં આ નદીઓ મળે છે,
જૂદાં થઈને સહુ એક થાય,
જે જેનું તે ત્યાં જઈને સમાય.

રે! માનવીનું પણ એ જ તત્ત્વ,
હું તું મહીં એક જ રક્ત ચાલે;
તો કાં ન અર્પું મુજ શીર્ષ તુંને?
અર્પુ કદી તો ઋણ થાય શાનું?

માગે ન લોહી મુજ કાં સુખે તું?
શાને ડરે છે કંઈ માગતાં તું?
ત્હારૂં ગણે ના ક્યમ સર્વ મ્હારૂં?
મ્હારૂં ગણે ના ક્યમ સર્વ ત્હારૂં?

આ વાત શાને જગમાં કરૂં છું?
સંસારમાં વૈર જ નિરખું છું!
બ્રહ્માંડ આ એક જ ભ્રાતૃભાવ,
જન્મ્યો કહીંથી કટુ ભેદભાવ?

કલાપીનો કેકારવ/૨૪૨