પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે ભેદનો આ ઋણ એક અંશ,
આભાર તેમાં કરતો પ્રવેશ;
વિદ્વેષ, ભેદ, ઋણ, ઉપકાર,
એ કેમ ઉગ્યાં વિણ બીજ ઝાડ?

હુંથી બને જો કદિ કાંઈ ત્હારૂં
તો માનજે ના ઋણમાં તને તું;
માગીશ હું એ કદિ જોઈશે તો,
તું આપજે, હું સુખથી લઈશ.

આભાર ભૂલે બહુ લોક આંહી,
પીડા ન તેની કદિ થાય કાંઈ;
આભારમાં અશ્રુ નિહાળી કિન્તુ
ખેર્યાં, અરે! મેં બહુ વાર આંસુ.

૨૧-૬-'૧૮૯૬

હું બાવરો

આ આતશે તાપે તપેલો હું બળેલો બાવરો!
ઝાંખી થયેલી નૂરની તે નૂરનો હું બાવરો!
એ નૂર ના આફતાબ કૈં, એ નૂર ના હા ! વીજળી !
એ કોણ ? શું? કૈં એ નહીં ! હું ત્હોય તેનો બાવરો!

એ ગુલ હતું અંગારનું ! હું ફૂદડી તેની બન્યો !
ચોંટ્યો, ગળ્યો, દાઝી ગયો ! હું ત્હોય તેનો બાવરો!
હા ! હાય ! હાહા ! સ્વપ્નમાં એ જાગતાં એ નીંદમાં,
તેને ન હું તો ક્યાંય ! ત્હોયે હું જ તેનો બાવરો !

અક્કલ કહે છે છોડવા, હૈયું કે, 'તે ના બને.'
અક્ક્લ ગુમાવી ! દિલ બાળ્યું ! ઇશ્કનો હું બાવરો !
'એ ઝેર દેખે છે છતાં કાં માન તેને મીઠડું ?'
એ પૂછશો કોઈ નહીં ! ઉત્તર ન આપે બાવરો!'

આશક તણી નઝરે ભરી ખૂબસૂરતી જે છે સદા,
તે કોઈ માશુકને મુખે છે ? એ જ પૂછે બાવરો !
દુનિયા કહે કૈં એ ભલે ! અક્કલ કહે અંગાર છો !
મ્હારી નિગાહે પુષ્પ તો હું પુષ્પ માનું બાવરો !

કલાપીનો કેકારવ/૨૪૩