પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાંખી ઝાંખી છબી પર ન કૈં ઝાંખ જોઈ શકી તે,
તે દૃષ્ટિએ જિગર ગળતાં પૂર્ણ સૈન્દર્ય દીઠું.

'વ્હાલા ! વ્હાલા ! તુજ પ્રિય છબી કેમ સોંપી મને ત્હેં !
'શું કૈં આંસુ તુજ નયનમાં ત્યાગતાં તે ન આવ્યાં ?
'એવું છે તો ક્યમ નહીં હવે ત્યાગશે સર્વ વ્હાલાં !
'વેળા જાતાં કફની લઈને ચાલશે કાં ન ? વ્હાલાં?

'એવું હો તો કફની મુજને આપજે એક , વ્હાલા !
'મ્હારે માટે જરૂર દિલમાં રાખજે સ્થાન, વ્હાલા !'
ચિઠ્ઠી વાંચી - પલળી જરી તે આંખનાં આંસુડાંથી,
વાંચી વાંચી ફરી ફરી અને અને કાંઈ બોલી જવાયું.

'ઓ વ્હાલી ! ઓ હ્રદયઝરણી ! કેમ ત્યાગું તને હું ?
'લાલાંને એ કદિ પણ હજુ વિસરી ના શક્યો છું;
'વ્હાલી ! તું તો મુજ હ્રદયનો ત્યાગ સંન્યાસ સર્વે,
'તું પૂજા, તું પ્રભુ મુજ, પછી શોધવું કાંઈ ના છે.'

ખેંચાઈ કૈં મુજ પ્રિય કને બોલતો એ ગયો હું,
દીઠી તેને છબી નિરખીને આંસુડાં ખેરતી રે!
નેત્રે નેત્રો મળી જરી જતાં શોક તેનો ભૂંસાયો,
ઉઠી બાઝી 'પિયુ ! પિયુ !' લવી છાતીમાં તે સમાઈ.

૨૩-૬-૧૮૯૬

એક ઇચ્છા

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુએ બહુ
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હ્રદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભુકા દહે , દહો,ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હ્રદય, એ જ ઈચ્છું પ્રભુ !

કલાપીનો કેકારવ/૨૪૫