પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.

અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.

તું જાગજે તું ખેલજે ને પત્ર પત્રે મ્હાલજે,
ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે !
તું કેમ એ માની શકે ? આધાર ત્હારો એ જ છે,
એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે !

રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એ જ ચળકાટે પડે,
સંતાઈ જાતાં ન્હાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.

આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી;
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી?
અમ એજ જીવિત, એ જ મૃત્યુ એ જ અશ્રુ ને અમી,
જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?

૧-૭-૧૮૯૬

વીંધાયેલા હ્રદયને

વીંધાયું તું, જખમ તીરનો છેક ઉંડો ગયો આ,
ખેંચી લેતાં મરણ નિપજે રક્તના સ્ત્રાવથી, હા !
ચોંટ્યું ર્-હેશે અરર ! ભલકું જીવ જાતાં સુધી ત્યાં,
ભોળા દર્દી ! દુઃખદ પણ છે ઈશની એ જ ઇચ્છા.

નિરુદ્વેગી પણ થઈ સહે દંશનું દર્દ તું જો,
સૂજે સૂજે સુખથી સુખથી ઘેન મીઠાં મહીં તો;
ઓહો ! તો તો તુજ નયનની પાંપણો ના ભીંજાશે,
ત્હારી આવી ખટકતી સહુ વેદના દૂર થાશે.

કલાપીનો કેકારવ/૨૪૭