પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધવચ લટ્ક્યો'તો તેજનો સ્તમ્ભ કેવો?
ઉદધિ! તુજ દિલેથી નીકળ્યો નાદ કેવો?!

૧૪-૮-૧૮૯૬

પ્રેમીની મૂર્તિપૂજા

કર તું કંઈએ ! કર તું કંઈએ !
મધુ તેથી બને વધુ શું કદિ એ ?
તુજ કાર્ય સહુ દિલ નિત્ય સ્મરે,
વધુ નિર્મળ શું ઉર પૂજી શકે ?

કંઈ બોલ અને દિલ ઈચ્છતું,
કે કંઈ બોલ તું બોલ સદા જ પ્રિયે !
તુજ વાણી સદા સુણતો જ રહું,
ઝરતાં ફુલ એ વીણતો જ રહું !

તુજ એ સ્વર ગાયનના સ્મરતાં,
વળી ઓર જ ધૂન મચે ઉરમાં,
તુજ યાચક આ ઉર થાય, પ્રિયે !
ફરીને ફરી એ સ્વર માગી જ લે.

ઉર ઇચ્છતું કે હજી ગા જ પ્રિયે !
નવ થોભ, કશું પણ ગા જ પ્રિયે !

કંઈ દે કંઈ લે સહુ ગીત મહીં,
વ્યવહાર બધાં કર ઓ સ્વરથી.
હુકમો સહુ ગાયનથી કરજે ;
મુજ ઝિંદગીએ સ્વરથી ભરજે.

તુજ નૃત્ય સ્મરૂં ! ભૂલું ભાન, પ્રિયે !
કંઈ પ્રશ્ન કરૂં સ્મરી નૃત્ય, પ્રિયે !
ક્યમ ઊર્મી બની ન તું વારિધિની,
બસ નાચત દિવસ ને રજની !
ઘુઘવાટ વળી તુજ હું બનતે,
હસતો નકી તાલ દીધા કરતે !

કર તું કંઈ એ ! કર તું કંઈ એ !
કરુણાર્દ્ર પ્રભુ પ્રતિ કાર્ય પરે ;
તુજ શું તુજ શુંથી મધુતર છે ?
વળી નિર્મળ શું તુજ શુંથી ? પ્રિયે !

સ્મરતાં સ્મરતાં સ્મરણે ચડ્યું જે
બસ પૂજીશ પૂજીશ તે જ, પ્રિયે !

૧૫-૮-૧૮૯૬

કલાપીનો કેકારવ/૨૫૩